તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
રિયલ એસ્ટેટ ધમાકો: પશ્ચિમ એશિયાના તણાવ છતાં બેંગલુરુ અને મુંબઈએ બાજી મારી : દિલ્હી-એનસીઆર અને કોલકાતામાં ઘર ખરીદનારાઓનો ઉત્સાહ ઠંડો પડ્યો
વૈશ્વિક મંદી વચ્ચે ભારતના મિલકત બજારમાં ૧૯% નો બમ્પર ઉછાળો: પ્રોપઇક્વિટીનો ચોંકાવનારો અહેવાલ

બેંગલુરુ : વૈશ્વિક ભૌગોલિક-રાજકીય ઉથલપાથલ અને આર્થિક અનિશ્ચિતતાના વાદળો વચ્ચે ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રે ૨૦૨૬ ના બીજા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન) એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઘર ખરીદનારાઓ અને રોકાણકારોના અદભૂત વિશ્વાસને કારણે દેશના ટોચના નવ મુખ્ય શહેરોમાં ઘરોના વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૯ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે, જેનાથી કુલ વેચાણ ૧,૧૨,૪૫૮ યુનિટે પહોંચ્યું છે. આ તેજી માત્ર વેચાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ બજારમાં નવા પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ પણ ૪૩ ટકા વધીને ૧,૧૭,૬૦૯ યુનિટ થઈ ગયું છે, જે દર્શાવે છે કે બિલ્ડરો અને ખરીદદારો બંને અત્યારે સંપૂર્ણ એક્શન મોડમાં છે.
આ આખા ટ્રેન્ડમાં દક્ષિણ અને પશ્ચિમ ભારતના શહેરો સુપરસ્ટાર સાબિત થયા છે, જેમાં આઇટી હબ બેંગલુરુ પ્રથમ ક્રમે રહ્યું છે. બેંગલુરુમાં ઘરોના વેચાણમાં ૪૭ ટકાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને ૨૧,૫૧૬ નવા ઘરો બુક થયા છે, જ્યારે નવા સપ્લાયમાં પણ આ શહેરે ૭૧ ટકાની વૃદ્ધિ સાથે દેશનું નેતૃત્વ કર્યું છે. બીજી તરફ, પશ્ચિમ ભારતમાં નવી મુંબઈએ વેચાણમાં ૬૧ ટકા અને મુંબઈએ ૩૨ ટકાની તેજી સાથે રિયલ એસ્ટેટ માર્કેટ ગજવ્યું છે; અગાઉ મધ્ય પૂર્વના દેશોમાં રોકાણ કરવા ઈચ્છતા ભારતીય રોકાણકારો હવે સ્થાનિક બજાર તરફ વળ્યા છે.
આ દેશવ્યાપી તેજીની વચ્ચે પણ દેશના બે મોટા પ્રદેશો દિલ્હી-એનસીઆર અને કોલકાતામાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ઘરોનું વેચાણ વાર્ષિક ધોરણે ૧૪ ટકા ઘટીને ૧૦,૦૮૨ યુનિટ થઈ ગયું છે અને નવા પ્રોજેક્ટ્સમાં પણ ૬ ટકાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે, કોલકાતામાં પણ રિયલ એસ્ટેટ બજાર તળિયે બેસી ગયું હોય તેમ વેચાણમાં ૨૩ ટકાનો મોટો કડાકો નોંધાયો છે, જે દર્શાવે છે કે દેશની આર્થિક રાજધાનીઓ તરફ આકર્ષણ વધવા છતાં પૂર્વ અને ઉત્તરના આ કેન્દ્રો હાલ પૂરતા ખરીદદારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
