<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

રિયલ લાઈફ હિરો...એસપી વિજયસિંહ ગુર્જર અકિલાના આંગણે

તમે (રાજકોટ જિલ્લાં પોલિસવડા વિજયસિંહ ગુર્જર) ૧૦૦ મંદિરે જાવ તો પણ એટલું પુણ્‍ય ન મળે, જે પુણ્‍ય તમે ગુજરાતના ઇતિહાસમાં સર્વપ્રથમ ૧૩૦ કરોડની ગરીબ માણસોની જમીન (રેન્‍જવડા નિલીપ્તરાય)ના માર્ગદર્શનમાં પરત અપાવી કર્યું છે, ડેપ્‍યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ રાજકોટ દોડી આવી ગર્વથી જણાવતા આ IPS ચોતરફ છવાયા છે : જમીન ખેડૂતો માટે માતાસમી હોય છે, આમ તો સંસ્‍કૃતિ મુજબ દરેક માટે માતા સમાન જ હોય છે, આવી જમીન કોઈ છીનવી લ્‍યે ત્‍યારે તેની શુ હાલત થાય? આવા સંજોગોમાં મારી પાસે અરજ કરે ત્‍યારે હું સિવિલ મેટર છે, તેમ કહી હાથ ઊંચા કરવા મારો આત્‍મા કબૂલ ન થયેલ, મારા માર્ગદર્શક રેન્‍જ વડાએ પણ એ જ મતના હતા, અને આમ લોકો જેને ઐતિહાસિક કાર્ય કહે છે, તે કાર્ય થયું: અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી અજીતભાઈ ગણાત્રા સમક્ષ એસપી વિજયસિંહ ગુર્જરે સહુ પ્રથમ વખત મનની વાત રજુ કરી

રાજકોટઃ ૧૩૦ કરોડની ગરીબ ખેડૂતોની જમીન પરત અપાવી ઇતિહાસ સર્જનાર અને રાતોરાત લોકોના હીરો બની જનાર રાજકોટ રૂરલ જિલ્લા પોલિસવડા વિજયસિંહ ગુર્જર અકિલાને આંગણે આવેલ.  તેઓએ અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી અજિતભાઈ ગણાત્રા સાથે ઐતિહાસિક ઘટનાની ભીતરી કથા જેવી મનની વાત, સહીત રાજકોટ ગ્રામય પોલિસ દ્વારા રેન્‍જ વડા નિર્લીપ્‍ત રાયના માર્ગદર્શનમાં ચાલતી લોક ઉપયોગી કાર્ય અંગે વિચાર વિમર્શ કરેલ. અકિલાના જન્‍મથી, નવા જુના મશીન, નામકારણ અંગેની વિગતો ખુબ રસપુર્વક જાણી, સ્‍વદેશી નીતિની પ્રસંશા કરેલ. મુલાકાત સમયે અકિલા પરિવારના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ ગણાત્રા પણ ઉપસ્‍થિત રહેલ (તસ્‍વીરો અભિજીત બગથરિયા)

રાજકોટ તા.૩: તમે ૧૦૦ મંદિરના દર્શન કરો તો પણ જેટલું ફળ ન મળે, એટલું ફળ તમને આ એક કાર્યથી ઈશ્વર આપશે, તેમાં કોઈ મનમેખ નથી. આ શબ્‍દો ઉચ્‍ચારનાર કોઈ સામાન્‍ય વ્‍યક્‍તિ નહીં, પણ ગળહ વિભાગનો સ્‍વતંત્ર હવાલો ધરાવતા નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી હતા. હર્ષભાઈ દ્વારા આ કાર્ય જેમના માર્ગદર્શન હેઠળ થયું છે, તેવા રાજકોટ રેન્‍જના વડા અને સ્‍વચ્‍છ છબી ધરાવતા શ્રી નિર્લિપ્ત રાયની પણ પ્રશંસા કરાઈ હતી.

આટલી પ્રસ્‍તાવના બાદ જેમના માટે હર્ષભાઈ જાતે રાજકોટ દોડી આવીને પ્રશંસાના પુષ્‍પો વેર્યા, તે યુવા એટલે રાજકોટ જિલ્લાના એસપી વિજયસિંહ ગુર્જર. આ તેજ તર્રાર IPS દ્વારા રાજકોટ રેન્‍જ DIG ના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાતના ઈતિહાસનું સૌપ્રથમ કહી શકાય તેવું અદભૂત કાર્ય થયું છે.

આ યુવા IPS દ્વારા ૧૩૩ કરોડની ખેડૂતોની પચાવી પાડવામાં આવેલી જમીનો અંગે ‘‘આ તો સિવિલ મેટર છે'' એમ કહી હાથ ઊંચા કરવાને બદલે, કહેવાતા ભૂ-માફિયાઓ વિરુદ્ધ ગુના નોંધી ૧૩૩ કરોડની જમીન પરત અપાવતા ગરીબ ખેડૂતોના અંધકારમય જીવનમાં રોશની પ્રગટી છે અને દિવાળી પહેલા જ દિવાળી આવી છે. આમ ગુજરાતના ઈતિહાસનું અદભૂત કાર્ય કરનાર આ યુવા IPS રાતોરાત રીલ નહીં, રિયલ હીરો બની ગયા છે, તેવા વિજયસિંહ ગુર્જર અકિલાના આંગણે આવ્‍યા હતા.

ટોક ઓફ ધ સ્‍ટેટ બનેલી આ ઘટના અંગે અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા અકિલાના તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા સાથે વિવરણ કરતા રાજકોટ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરે ખૂબ જ નમ્રતાપૂર્વક જે વિગતો આપી તે આ પ્રમાણે છે.

ખેડૂતો માટે જમીન તેની માં સમાન હોય છે. માત્ર ખેડૂતો જ શા માટે? દરેક વ્‍યક્‍તિને પોતાની જમીન વહાલી હોય છે અને આ જમીન કોઈ છેતરપિંડી આચરી પડાવી લે ત્‍યારે ભોગ બનનારાઓના દુઃખની કોઈ સીમા નથી રહેતી. આ જમીન તેઓ પાછી પણ ના મેળવી શકે ત્‍યારે તેમની પીડાનો કોઈ પાર રહેતો નથી. પરંતુ આવા ખેડૂતોને એક ગુંડા ટોળકી પાસેથી જમીન પરત અપાવવા જ્‍યારે પોલીસ મેદાને પડે છે, ત્‍યારે આ ખેડૂતો માટે પોલીસ એ માત્ર પોલીસ ન રહેતા દેવદૂત બની જાય છે. રાજકોટનો અલ્‍પેશ દોંગા અને તેની ટોળકી કાવતરું ઘડીને ખેડૂતોની જમીનો પડાવી લેવાનો મનસૂબો ઘડે છે. અલ્‍પેશ દોંગા એક કોલ સેન્‍ટર ચાલુ કરે છે, જેમાં યુવતીઓ દ્વારા ગરીબ ખેડૂતોને જમીનના સાત-બાર ઉપર લોન આપવા માટે કોલ કરવામાં આવે છે. જે ખેડૂતોને લોન જોઈતી હોય તેમને આ અલ્‍પેશ દોંગા રૂબરૂ મળવા માટે પોતાની ઓફિસે બોલાવે છે. ત્‍યારબાદ ખેડૂતોને ભોળવીને લોનના ધિરાણ સામે સિકયુરિટી પેટે ખેડૂતોની જમીનના સાટાખત તથા વેચાણ દસ્‍તાવેજો કરી લેવામાં આવે છે. આ રીતે અનેક ખેડૂતોની કરોડો રૂપિયાની જમીન પડાવી લેવામાં આવે છે, જેમાં મુખ્‍યત્‍વે રાજકોટ જિલ્લા, મોરબી જિલ્લા તથા જામનગર જિલ્લાના ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવે છે.

 આ આખા કાવતરામાં જે ખેડૂતોને લોન જોઈતી હોય તેવા ખેડૂતોને અલ્‍પેશ દોંગા વ્‍યાજે પૈસા ધીરતો હતો અને આ રકમ તે બીજા સાગરિતો પાસેથી લેતો હતો. આ લોનની રકમ ચેક મારફત જ આપવામાં આવતી હતી, જેની સામે ખેડૂતોની જમીન સાટાખત કે વેચાણ દસ્‍તાવેજથી પડાવી લેવામાં આવતી હતી. આ અંગે એક ભોગ બનનાર ખેડૂતે પડધરી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.  રાજકોટ ગ્રામ્‍ય એસ.પી. હતી, મારી સમક્ષ આ વાત આવી ત્‍યારે હું થોડીવાર માટે હું પણ સ્‍તબ્‍ધ થયો, આ ખુબ જટીલ સમસ્‍યા હતી, મેં અમારા રાજકોટ રેન્‍જ વડાનો કોન્‍ટેકટ કર્યો, અને તેઓએ માર્ગદર્શન આપવા સાથે આગળ વધવા લીલીઝંડી આપી અને આ રીતે આ ઐતિહાસિક કાર્ય સંપન્ન થયું

(2:31 PM IST)