News of Saturday, 28th November 2026
રિસેપ્શન ચાલતું હતું અને અચાનક સ્ટેજ પર ઢળી પડયા વરરાજા
લગ્નની ખુશી વચ્ચે મોતનો માતમ! બિહારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી : મહેમાનો આશીર્વાદ આપી રહ્યા હતા ત્યાં જ સ્ટેજ પર ઢળી પડયા

પટના,તા.૨૮: બિહારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈની પણ આંખો ભીની થઈ જાય. જે ઘરમાં એક દિવસ પહેલાં જ લગ્નની શરણાઈઓ ગુંજી હતી અને પરિવારજનો ખુશીથી ઝૂમી રહ્યા હતા, ત્યાં બીજા જ દિવસે અચાનક મોતના સમાચારથી માતમ છવાઈ ગયો હતો. લગ્ન બાદ યોજાયેલા રિસેપ્શન દરમિયાન વરરાજા સ્ટેજ પર બેઠા હતા, ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ પૂર્ણિયા લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. લગ્નના બીજા જ દિવસે બનેલી આ ઘટનાથી બંને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, મૃતક યુવકની ઓળખ પવન કુમાર યાદવ તરીકે થઈ છે. તેઓ ડોક્ટર હતા અને પટનામાં રહેતા હતા. આ દુઃખદ ઘટના બિહારના કટિહાર જિલ્લાના ફલકા પ્રખંડના પોઠિયા બજારના વોર્ડ નંબર ૧૩માં બની હતી.
પવન કુમાર યાદવના લગ્ન ૨૫ નવેમ્બરના રોજ નજીકના દિરા ચાંદપુર ગામની રહેવાસી ગુડિયા નામની યુવતી સાથે થયા હતા. લગ્નની તમામ વિધિઓ ખુશીથી પૂર્ણ થયા બાદ ૨૬ નવેમ્બરે પવન નવી દુલ્હનને લઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. એ જ સાંજે રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
રિસેપ્શન દરમિયાન પવન અને તેમની પત્ની ગુડિયા સ્ટેજ પર બેઠાં હતાં. એક તરફ મહેમાનો ભોજન કરી રહ્યા હતા, તો બીજી તરફ નવદંપતીને આશીર્વાદ આપવા માટે લોકો સ્ટેજ પર પહોંચી રહ્યા હતા. કાર્યક્રમ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં હતો, ત્યારે અચાનક પવનની તબિયત લથડી હતી અને તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા.
આ દ્રશ્ય જોઈને પરિવારજનો અને મહેમાનોમાં અફરાતફરી મચી ગઈ હતી. કોઈને કંઈ સમજાય તે પહેલાં જ પરિવારના સભ્યો પવનને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ત્યાં ડોક્ટરોએ તેમની હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે પૂર્ણિયા લઈ જવાની સલાહ આપી હતી. પરિવારજનો તેમને લઈને પૂર્ણિયા જવા રવાના થયા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં પવનનું મોત નીપજ્યું હતું.
પવનના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. જે ઘરમાં થોડા કલાક પહેલાં સુધી લગ્નની ખુશીઓ મનાવવામાં આવી રહી હતી, ત્યાં અચાનક આક્રંદ શરૂ થઈ ગયો હતો. લગ્નના બીજા જ દિવસે પતિને ગુમાવતાં દુલ્હન ગુડિયા આઘાતમાં સરી પડી હતી. મળતી માહિતી પ્રમાણે, તે વારંવાર બેભાન થઈ જતી હતી.
આ ઘટનાથી માત્ર બંને પરિવારો જ નહીં, પરંતુ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. લગ્નની ખુશીમાં સામેલ થવા આવેલા સગાંસંબંધીઓ માટે પણ આ ઘટના મોટો આઘાત બની હતી. ત્યારબાદ પરિવારજનો પવનના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. નોંધનીય છે કે, હાલ સામે આવેલી માહિતી પ્રમાણે પવન કુમાર યાદવની અચાનક તબિયત બગડવાનું અને તેમના મોતનું ચોક્કસ તબીબી કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
