તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
વોટ્સએપથી કરો સીધુ મોબાઈલ રિચાર્જ
હવે Jio, Airtel અને Vi એપની નથી જરૂર, રિચાર્જ કરવાની રીત બદલાઈ ગઈ : વોટ્સએપે લોન્ચ કર્યું ખાસ ફીચરઃ ચેટિંગની સાથે હવે રિચાર્જ પણ!

મુંબઇ તા.૨૪: ટેકનોલોજી જગતમાં ક્રાંતિ લાવતા મેસેજિગ પ્લેટફોર્મ વોટ્સએપે ભારતીય યુઝર્સ માટે મોબાઈલ રિચાર્જ કરવાની સુવિધા સીધી એપમાં જ શરૂ કરી છે. ૨૩ April ૨૦૨૬ ના રોજ અમલી બનેલા આ નવા ફીચર દ્વારા હવે અલગ એપ્લિકેશન રાખવાની જરૂરિયાત દૂર થશે. આ સુવિધાને કારણે ડિજિટલ પેમેન્ટ પ્રક્રિયા અત્યંત ઝડપી અને વધુ સરળ બનશે.
લોકપ્રિય મેસેજિગ એપ વોટ્સએપે ભારતીય યુઝર્સ માટે એક મોટી સુવિધા જાહેર કરી છે. હવે યુઝર્સને પોતાનું મોબાઈલ રિચાર્જ કરવા માટે અલગ-અલગ પેમેન્ટ એપ્સ ખોલવાની જરૂર પડશે નહીં. કંપની દ્વારા આ નવી સુવિધા માટે પેમેન્ટ કંપની પેયૂ સાથે મહત્વની ભાગીદારી કરવામાં આવી છે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે આગામી થોડા અઠવાડિયામાં તમામ યુઝર્સ સુધી પહોંચી જશે.
વોટ્સએપનું આ નવું રિચાર્જ સોલ્યુશન પેયૂ સાથેની પાર્ટનરશિપ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ સહયોગને કારણે પેમેન્ટ પ્રોસેસ અત્યંત ઝડપી અને સુરક્ષિત બનશે. આ ફીચરની મદદથી યુઝર્સ માત્ર પોતાનો જ નહીં, પરંતુ મિત્રો અને પરિવારના સભ્યોના મોબાઈલ નંબર પણ સરળતાથી રિચાર્જ કરી શકશે. જીયો , એરટેલ અને વી જેવા તમામ મુખ્ય ટેલિકોમ ઓપરેટર્સના પ્લાન્સ વોટ્સએપની અંદર જ જોવા મળશે.
આ નવી સુવિધાનો ઉપયોગ કરવા માટે વોટ્સએપે હોમ સ્ક્રીન પર એક નવું આઈકોન ઉમેર્યું છે. સૌથી પહેલા યુઝર્સે આ આઈકોન પર ટેપ કરવાનું રહેશે, જ્યાં તેમને મોબાઈલ પ્રીપેડ રિચાર્જ નો વિકલ્પ દેખાશે. ત્યારબાદ જે નંબર રિચાર્જ કરવો હોય તેને સિલેક્ટ કરીને ઓપરેટરની વિગતો ચકાસવાની રહેશે. ઉપલબ્ધ પ્લાનમાંથી મનપસંદ પ્લાન પસંદ કર્યા બાદ યુપીઆઈ, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કન્ફર્મ કરતા જ રિચાર્જની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
મેટા ઇન્ડિયાના બિઝનેસ મેસેજિગ ડાયરેક્ટર રવિ ગર્ગના જણાવ્યા મુજબ, વોટ્સએપ હવે ભારતીયોના રોજિદા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જાહેર થયેલા આ રિચાર્જ ફીચર અગાઉ પણ વોટ્સએપમાં મેટ્રો ટિકિટ બુકિંગ , બિલ પેમેન્ટ અને સરકારી સેવાઓ જેવી સુવિધાઓ કાર્યરત છે. પેયૂના ચીફ બિઝનેસ ઓફિસર હેમાંગ દત્તાણીના મતે, યુઝર્સને એક જ પ્લેટફોમ પર બધી સેવાઓ મળી રહે તેવો આ પ્રયાસ છે, જેનાથી વોટ્સએપ હવે એક 'સુપર એપ' તરીકે ઉભરી રહ્યું છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
