News of Wednesday, 1st July 2026
ડોનાલ્ડ ટ્રમ્પની સંપત્તિમાં રેકોર્ડબ્રેક વધારો : અમેરિકી વડાની સંપત્તિમાં ક્રિપ્ટોકરન્સીના જાદુથી તોતિંગ ઉછાળો : વર્ષ ૨૦૨૫માં ફેમિલી ક્રિપ્ટો વેન્ચર્સમાંથી કરી $૧.૪ બિલિયનની અધધ કમાણી
પોતાની નીતિઓ દ્વારા ક્રિપ્ટો માર્કેટને ફાયદો પહોંચાડતા ટ્રમ્પ પર હિતોના ટકરાવના ગંભીર આક્ષેપો : ૨૦૨૪ થી ૨૦૨૬ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિની પર્સનલ વેલ્થ ત્રણ ગણી વધીને $૬.૫ બિલિયને પહોંચી

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખપદની ખુરશી પર બિરાજમાન ડોનાલ્ડ ટ્રમ્પની પર્સનલ વેલ્થ (વ્યક્તિગત સંપત્તિ) માં ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી થયેલી અઢળક કમાણીનો એક મોટો ખુલાસો થયો છે. યુએસ ઓફિસ ઓફ ગવર્નમેન્ટ એથિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર સરકારી દસ્તાવેજો દર્શાવે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૨૫ દરમિયાન તેમના ફેમિલી ક્રિપ્ટોકરન્સી વેન્ચર્સમાંથી ૧.૪ બિલિયન ડોલર (અંદાજે ૧૪૦ કરોડ ડોલર) થી વધુની કમાણી કરી છે. આ સત્તાવાર ફાઈલિંગથી સ્પષ્ટ થાય છે કે અમેરિકી રાષ્ટ્રપતિની આવકનો સૌથી મોટો સ્ત્રોત હવે ડિજિટલ એસેટ્સ બની ચૂક્યો છે.
અમેરિકાના ૧૯૭૮ના કાયદા મુજબ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે પોતાની સંપત્તિ જાહેર કરવી ફરજિયાત છે, જેના ભાગરૂપે થયેલા ખુલાસા મુજબ ટ્રમ્પ અને તેમના પુત્રો દ્વારા સ્થાપિત કરાયેલી ક્રિપ્ટો કંપની 'વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સ' માંથી જ તેમની કંપનીઓને આશરે $૮૦૦ મિલિયન પ્રાપ્ત થયા છે. આ રકમમાં ક્રિપ્ટો ટોકન્સના વેચાણમાંથી $૫૨૦ મિલિયન અને ઓનરશિપ સ્ટેક્સના વેચાણમાંથી $૨૫૦ મિલિયનથી વધુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાન્યુઆરી ૨૦૨૫માં ટ્રમ્પના શપથ ગ્રહણના ગણતરીના કલાકો પહેલા લોન્ચ કરાયેલા 'ટ્રમ્પ મીમ કોઈન્સ' ના વેચાણમાંથી તેમણે બીજી $૬૩૫ મિલિયનની જંગી આવક મેળવી છે, જે જૂન ૨૦૨૫માં માત્ર $૫૭.૩૫ મિલિયન હતી.
બીજા કાર્યકાળની શરૂઆતથી જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીને સીધો ફાયદો કરાવતી પૉલિસીઓ અને સ્ટેબલકોઈન્સ માટેના ફેડરલ નિયમો લાગુ કર્યા છે, એટલું જ નહીં પરંતુ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને એસઈસી (SEC) દ્વારા ક્રિપ્ટો માર્કેટ પર રખાતી કડક નજર પણ હળવી કરી દેવામાં આવી છે. પોતાની જ સરકારી નીતિઓથી પર્સનલ બિઝનેસને ફાયદો કરાવવા બદલ ટ્રમ્પ પર હિતોના ટકરાવ (Conflicts of Interest) ના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ફોર્બ્સના અહેવાલ મુજબ, ક્રિપ્ટો સેક્ટરમાં તેમની આ સક્રિયતાને કારણે વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૬ વચ્ચે ટ્રમ્પની કુલ સંપત્તિ $૨.૩ બિલિયનથી લગભગ ત્રણ ગણી વધીને $૬.૫ બિલિયન પર પહોંચી ગઈ છે.
બીજી તરફ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ આ વિવાદોનો બચાવ કરતા જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ કે તેમના પરિવારે ક્યારેય કોઈ હિતોના ટકરાવમાં ભાગ લીધો નથી અને પોતાના એક્ઝિક્યુટિવ એક્શન્સ દ્વારા ટ્રમ્પે અમેરિકાને ગર્વભેર વિશ્વની ક્રિપ્ટો કેપિટલ (Crypto Capital) બનાવી છે. જોકે, સરકારી દસ્તાવેજો મુજબ ભલે તેમનો આ બિઝનેસ હાલ તેમના બાળકો સંભાળતા હોય, પરંતુ ટ્રમ્પ પોતે જ એ મુખ્ય ટ્રસ્ટના લાભાર્થી (Beneficiary) છે જ્યાં આ તમામ અબજો રૂપિયાની આવક જમા થઈ રહી છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
