News of Saturday, 20th June 2026
ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનો રેકોર્ડબ્રેક ઘોડાપૂર : આજ સવાર સુધીમાં ૩૭ લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન : મૃત્યુઆંક ૧૯૮ પર પહોંચ્યો
હિમાલયના દુર્ગમ પહાડોમાં હૃદયરોગના હુમલા અને ઓક્સિજનની અછતને કારણે અનેક મુસાફરોએ જીવ ગુમાવ્યા : વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય સુવિધાઓ સઘન કરાઈ

દેહરાદૂન: ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રા અત્યારે તેના પુરા જોશમાં ચાલી રહી છે, જેમાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટી પડ્યો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ વર્ષની યાત્રા શરૂ થયાથી અત્યાર સુધીમાં ચારધામના દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ૩૭ લાખના આંકડાને પાર કરી ગઈ છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં ભક્તોની ભારે ભીડને કારણે વહીવટી તંત્ર પર પણ વ્યવસ્થા જાળવવાનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે.
પરંતુ આ ભારે ઉત્સાહની વચ્ચે ચિંતાજનક અહેવાલો પણ સામે આવ્યા છે. કઠિન અને દુર્ગમ પહાડી રસ્તાઓ પર મુસાફરી દરમિયાન વિવિધ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે અત્યાર સુધીમાં કુલ ૧૯૮ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નિપજ્યા છે. આ મોતમાં સૌથી મોટું કારણ ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓક્સિજનની અચાનક થતી અછત અને તેના કારણે આવતા હૃદયરોગના હુમલા (હાર્ટ એટેક) ને ગણાવવામાં આવી રહ્યું છે.
સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, મૃતકોમાં મોટાભાગના મોટી ઉંમરના અથવા અગાઉથી કોઈ બીમારીથી પીડાતા શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. હિમાલયના અતિ ઠંડા હવામાન અને પહાડી ચઢાણને કારણે ઘણા લોકો શારીરિક રીતે થાકી જાય છે. તંત્ર દ્વારા યાત્રા માર્ગો પર તબીબી રાહત કેન્દ્રો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા વધારવામાં આવી હોવા છતાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલાં ફરજિયાત મેડિકલ ચેકઅપ કરાવે. જો તબિયત સારી ન હોય તો ઊંચાઈવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. ભક્તોની સુરક્ષા માટે કેદારનાથ અને યમુનોત્રીના પગપાળા માર્ગો પર આરોગ્ય કર્મચારીઓની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે જે મુસાફરોના ઓક્સિજન લેવલની સતત તપાસ કરી રહી છે.
ભારે ભીડ અને વધતા જતા ભયને જોતા વહીવટી તંત્ર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે. ભીડને નિયંત્રિત કરવા અને ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વધારાના પોલીસ જવાનો અને એસડીઆરએફ (SDRF) ની ટીમો સમગ્ર ચારધામ રૂટ પર ખડેપગે તૈનાત રાખવામાં આવી છે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
