તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
તિરુપતિમાં 'મહાદાન'નો રેકોર્ડ: બદલાયા આજીવન VIP દર્શનના નિયમો અને 24 કલાકમાં વરસ્યો ₹97 કરોડનો વરસાદ!
જ્યારે ભગવાન વેંકટેશ્વરના દરબારમાં આજીવન વીઆઈપી સુવિધાઓ મેળવવા માટે ભક્તોએ તિજોરીઓ ખોલી નાખી: નવી દાતા નીતિ લાગુ થતાં જ સર્જાયો એક અનોખો ઈતિહાસ

તિરુમાલા: ધર્મ અને આસ્થાના સૌથી મોટા કેન્દ્ર એવા તિરુપતિ બાલાજી મંદિરમાં તાજેતરમાં એક એવી અકલ્પનીય ઘટના બની જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. ૧૫મી જુલાઈની મધ્યરાત્રિએ નવી દાતા નીતિ લાગુ થવાની હતી અને તે પહેલાંના માત્ર ૨૪ કલાકમાં ભક્તોએ મંદિર પર અધધ ₹૯૬.૯૮ કરોડનો વરસાદ કરી દીધો! આ કોઈ સામાન્ય દાન નહોતું, પણ જૂના નિયમો હેઠળ મળતા 'આજીવન વીઆઈપી દર્શન અને સુવિધાઓ' ગુમાવી ન દેવાની એક અનોખી હોડ હતી. કુલ ૨,૪૬૦ દાતાઓએ લાઈનો લગાવીને મનમૂકીને દાન આપ્યું, જેમાં બે એવા પરમ ભક્તો પણ હતા જેમણે એક-એક કરોડથી વધુની રકમ બાલાજીના ચરણોમાં અર્પણ કરી દીધી.
આ અચાનક આવેલા પૂર પાછળનું સાચું રહસ્ય તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ના નિયમોમાં થયેલો મોટો બદલાવ છે. અત્યાર સુધી અમુક ચોક્કસ રકમનું દાન આપનાર ભક્તોને આજીવન ખાસ પ્રવેશ દર્શન, સુપ્રભાત સેવા, દૈનિક કલ્યાણોત્સવ, રહેવાની ઉત્તમ સવલતો અને પ્રસાદી રૂપે સોના-ચાંદીના સિક્કા મળતા હતા. પરંતુ નવી નીતિ મુજબ હવે આ લાભો આજીવન નહીં રહે! વ્યક્તિગત દાતાઓ માટે આ મર્યાદા ૨૦ વર્ષ અને ટ્રસ્ટ કે સંસ્થાઓ માટે માત્ર ૧૫ વર્ષની કરી દેવામાં આવી છે. આથી, આજીવન વીઆઈપી સુવિધાઓ મેળવવાની આ છેલ્લી તક ઝડપી લેવા માટે ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી.
તિરુપતિ બાલાજી મંદિર આમ પણ વિશ્વના સૌથી ધનિક મંદિરોમાં મોખરે છે, જેની કુલ સંપત્તિ ₹૩.38 લાખ કરોડથી વધુ અંકાય છે જે વિશ્વના કેટલાય નાના દેશોના જીડીપી કરતાં પણ વધારે છે! નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં તો માત્ર દાન પેટીમાંથી જ રોજનું સરેરાશ ₹૪.૭૫ કરોડ દાન મળતું હતું. હવે બધી જ સિસ્ટમ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ રહી છે જેથી મેન્યુઅલ ભલામણો બંધ થાય અને પારદર્શિતા વધે. સામાન્ય ભક્તો અને મોટા દાતાઓ વચ્ચે સંતુલન જળવાય તે માટે બોર્ડના અધ્યક્ષ બી.આર. નાયડુના નેતૃત્વમાં આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
