તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd July 2026
મસૂરી જતાં પ્રવાસીઓ માટે રેડ એલર્ટ: વૈકલ્પિક કિમારી માર્ગ પર ભૂસ્ખલન : પર્વત પરથી ધસમસતો કાટમાળ પડતાં વાહનવ્યવહાર ઠપ્પ
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી મુશ્કેલી વધી : મુખ્ય માર્ગ બાદ હવે વૈકલ્પિક રસ્તો પણ બંધ થતાં પ્રવાસીઓ અને સ્થાનિકો અટવાયા : જેસીબી સાથે પીડબલ્યુડીની ટીમ તૈનાત

દહેરાદૂન : મસૂરી જવા ઈચ્છતા પ્રવાસીઓ માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે મસૂરી-દહેરાદૂન વચ્ચેનો અત્યંત મહત્વપૂર્ણ એવો વૈકલ્પિક કિમારી માર્ગ ભૂસ્ખલનનો શિકાર બન્યો છે. પહાડીઓ પરથી સતત મોટા પથ્થરો અને માટીનો ધસમસતો કાટમાળ રસ્તા પર ખાબકતાં આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અચાનક રસ્તો બંધ થઈ જતાં મસૂરી તરફ જતાં અને ત્યાંથી પરત ફરતાં સજ્જડ અટવાઈ પડ્યા છે, જેને પગલે સ્થાનિક વહીવટીતંત્રે લોકોને હાલ પૂરતી બિનજરૂરી મુસાફરી ટાળવા આકરી ચેતવણી આપી છે.
સતત થઈ રહેલી મેઘમહેરના કારણે પહાડીઓની માટી અને ખડકો અત્યંત નબળા પડી ગયા છે, જેના કારણે કિમારી માર્ગ પર ગમે તે ક્ષણે મોટા પથ્થરો નીચે પડી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાહેર બાંધકામ વિભાગ (PWD)ની ટીમ જેસીબી (JCB) મશીનરી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, પર્વત પરથી સતત કાટમાળ ધસી પડતો હોવાથી રાહત કામગીરી શરૂ કરવી કર્મચારીઓ માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પહાડીઓ પરથી પથ્થરો પડવાનું બંધ થાય અને હવામાન થાળે પડે ત્યારબાદ જ રસ્તો સાફ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી શકાશે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, જો વરસાદ આવી જ રીતે ચાલુ રહેશે તો આ માર્ગને ફરીથી વાહનવ્યવહાર માટે પૂર્વવત કરવામાં ઓછામાં ઓછો ૨૪ કલાકથી વધુનો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે મુખ્ય મસૂરી-દહેરાદૂન માર્ગ પણ અગાઉ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેને સમારકામ બાદ બુધવારે જ માંડ ખુલ્લો કરાયો હતો. પરંતુ હવે વૈકલ્પિક રસ્તો પણ બંધ થઈ જતાં સમગ્ર મસૂરીનો સંપર્ક કપાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પ્રવાસીઓને હવામાનની અપડેટ જોઈને જ મુસાફરીનું આયોજન કરવા અપીલ કરી છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
