તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
વિદેશી રોકાણકારો માટે લાલ જાજમ: મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, હવે માત્ર 12 અઠવાડિયામાં મળશે FDI મંજૂરી : પ્રક્રિયા થશે સાવ પેપરલેસ
વ્યવસાય કરવાની સરળતા ને વેગ આપવા DPIIT એ SOP માં કર્યો મોટો સુધારો: ચીન સહિતના પડોશી દેશો માટે પણ નિયમોમાં સ્પષ્ટતા, ટેક્નોલોજી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રોકાણનો માર્ગ મોકળો

નવી દિલ્હી : ભારતને વૈશ્વિક રોકાણનું હબ બનાવવાના મિશન સાથે મોદી સરકારે વિદેશી સીધા રોકાણ (FDI) ની મંજૂરી પ્રક્રિયામાં ક્રાંતિકારી ફેરફાર કર્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના DPIIT એ નવો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કર્યો છે, જે અંતર્ગત હવે કોઈપણ FDI દરખાસ્ત પર મહત્તમ 12 અઠવાડિયામાં અંતિમ નિર્ણય લેવો ફરજિયાત રહેશે. અગાઉ 2017 ના નિયમોમાં આ મર્યાદા 10 અઠવાડિયાની હતી, પરંતુ નવી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા અને જટિલ કેસોના નિકાલ માટે વધારાના બે અઠવાડિયા ફાળવવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે રોકાણકારોએ ઓફિસોના ધક્કા ખાવા નહીં પડે, કારણ કે સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને 'પેપરલેસ' બનાવી દેવામાં આવી છે.
નવા નિયમો મુજબ, નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભારત સાથે જમીન સરહદ ધરાવતા સાત દેશો—ચીન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન વગેરે—માટે પણ સરકારે નીતિમાં સ્પષ્ટતા કરી છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, કેપિટલ ગુડ્સ અને અદ્યતન બેટરી ઘટકો જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં આ દેશોના રોકાણને 60 દિવસની અંદર ઝડપી મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. જો કોઈ મંત્રાલય કે આરબીઆઈ નિર્ધારિત 8 અઠવાડિયામાં પોતાનો અભિપ્રાય નહીં આપે, તો તેને 'સંમતિ' માની લેવામાં આવશે. આ 'ડીમ્ડ અપ્રુવલ' જેવી જોગવાઈથી લાલિયાવાડીનો અંત આવશે અને ફાઈલો કબાટોમાં ધૂળ નહીં ખાય.
વર્ષ 2025-26 ના પ્રથમ 11 મહિનામાં જ ભારતમાં $88 બિલિયનથી વધુનું FDI આવ્યું છે, જે દર્શાવે છે કે વિશ્વનો ભારત પર ભરોસો વધી રહ્યો છે. ₹5,000 કરોડથી વધુના મોટા રોકાણોનો નિર્ણય આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ કરશે, જ્યારે સંરક્ષણ અને બેંકિંગ જેવા 11 સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષા તપાસ બાદ જ મંજૂરી અપાશે. નિષ્ણાતો માને છે કે આ પગલાથી ભારતની આર્થિક ગતિને નવી પાંખો મળશે અને ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી નોકરીઓનું સર્જન થશે. જે રીતે ટેરિફમાં ઘટાડો અને પ્રક્રિયામાં સરળીકરણ કરવામાં આવ્યું છે, તેનાથી આવનારા સમયમાં ભારત વિદેશી હૂંડિયામણના મામલે નવા રેકોર્ડ સ્થાપિત કરી શકે છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
