<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

લાલ કિલ્લા પર વિસ્ફોટ કોઈ અકસ્માત નહીં પણ આત્મઘાતી આતંકી હુમલો હતો: ડૉ. ઓમર ઉન નબીએ કારમાં કમાન્ડ મિકેનિઝમથી પોતાની જાતને ઉડાવી દીધી હતી, NIAની ચાર્જશીટમાં સનસનાટીભર્યો ખુલાસો!

૧૫ નિર્દોષોનો બલિ લેનાર 'અંસાર ગઝવત-ઉલ-હિંદ' મોડ્યુલનો આકા ડૉ. ઓમર યુવાનોને જેહાદ માટે ભડકાવતો હતો; એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા ફંડિંગ અને હથિયારોનું નેટવર્ક ઊભું કર્યાનો પર્દાફાશ

નવી દિલ્હી : રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બોમ્બ વિસ્ફોટ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોતાની ચાર્જશીટમાં અત્યંત ચોંકાવનારો અને સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર લાલ કિલ્લા પાસે થયેલો વિસ્ફોટ કોઈ સામાન્ય આતંકી હુમલો નહીં પરંતુ એક સુઆયોજિત આત્મઘાતી (સુસાઇડ) બોમ્બ વિસ્ફોટ હતો. આ ઘાતકી ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર અને ઓપરેશનલ ઇન્ચાર્જ ડૉ. ઓમર ઉન નબી હતો, જેણે કારની અંદરથી જ કમાન્ડ મિકેનિઝમથી IED એક્ટિવેટ કરીને પોતાને ઉડાવી દીધો હતો. આ કાયરતાપૂર્ણ આત્મઘાતી હુમલામાં ૧૫ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

 

આતંકી સંગઠન 'અંસાર ગઝવત-ઉલ-હિંદ'નું મોડ્યુલ સક્રિય કર્યું હતું:

 

NIA ની તપાસમાં બહાર આવ્યું છે કે નવેમ્બર ૨૦૨૫ માં લાલ કિલ્લા પાસે VBIED (વાહન-બોર્ન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ) કાર ધડાકામાં માર્યો ગયેલો ડૉ. ઓમર વર્ષ ૨૦૨૨ થી જ આતંકવાદી સંગઠન 'અંસાર ગઝવત-ઉલ-હિંદ' ના મોડ્યુલને સક્રિય કરવામાં લાગી ગયો હતો. તે દેશ સામે હિંસા અને જેહાદ ફેલાવવા માટે કટ્ટરપંથી યુવાનોનું એક મોટું નેટવર્ક તૈયાર કરી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર તેમજ દિલ્હી-NCR ના ગુપ્ત સ્થળોએ સતત બેઠકો યોજીને નવા ભરતી થયેલા યુવાનોને જેહાદી સાહિત્ય દ્વારા ભડકાવવામાં આવતા હતા અને ખતરનાક વિસ્ફોટકો બનાવવાની તાલીમ આપવામાં આવતી હતી.

 

ઝેરી સાહિત્ય, એન્ક્રિપ્ટેડ ચેટ્સ અને ટેરર ફંડિંગનો પર્દાફાશ:

 

તપાસ એજન્સીએ આ આતંકી મોડ્યુલના શંકાસ્પદ સભ્યો પાસેથી "જેહાદની જરૂરિયાતો," "૨૧ ધ્યેયો," અને "જેહાદને ટેકો આપવાના ૪૪ રસ્તાઓ" જેવા અત્યંત ઉગ્રવાદી દસ્તાવેજો જપ્ત કર્યા છે. ડૉ. ઓમર નબી 'સિગ્નલ' જેવી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને પોતાના સાગરીતો સાથે સંપર્કમાં રહેતો હતો. તેણે આતંકી પ્રવૃત્તિઓ ચલાવવા, ગેરકાયદેસર શસ્ત્રો ખરીદવા અને વિસ્ફોટકોનું લોજિસ્ટિક્સ પૂરું પાડવા માટે મોટા પાયે ટેરર ફંડિંગ પણ એકત્ર કર્યું હતું.

 

જૂની કારને બનાવી દીધી હતી 'ચાલતો-ફરતો બોમ્બ':

 

ચાર્જશીટ મુજબ, આત્મઘાતી હુમલાના ષડયંત્ર માટે ડૉ. ઓમર અને તેના સાથીઓએ એક જૂની કાર ખરીદી હતી, જેને વિસ્ફોટકો ભરીને કાર-બોમ્બ (VBIED) માં ફેરવી દેવામાં આવી હતી. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ડૉ. ઓમર જાતે આ કાર લઈને લાલ કિલ્લા પાસે પહોંચ્યો હતો અને અંદર બેઠા બેઠા જ સ્વિચ દબાવીને વિસ્ફોટ કર્યો હતો. ફોરેન્સિક પુરાવાઓએ પણ પુષ્ટિ કરી છે કે બોમ્બ કારની અંદરથી જ ધમાકો કરીને ફોડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આ એક ચોક્કસ આત્મઘાતી આતંકી હુમલો જ હતો.

(8:02 PM IST)