<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

કેરળમાં લાલ કિલ્લો ધ્વસ્ત: અમેરિકી એક્સપર્ટે કહ્યું- "ભારતીયો સમજદાર છે, અમેરિકાના લોકો તો બેવકૂફ છે", જાણો કેમ કહી આવી વાત?

૬ દાયકા બાદ કેરળમાં ડાબેરીઓનો સફાયો, કોંગ્રેસ પ્રેરિત UDF ની ભવ્ય જીત: અમેરિકી પોલિસી એક્સપર્ટ માર્ક ડબોવિટ્ઝે ભારતીય મતદારોની લોકશાહીની સમજને વૈશ્વિક મંચ પર બિરદાવી

તિરુવનંતપુરમ, તા.૦૭: કેરળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ માત્ર ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે રાજકીય ગરમાવો લાવી દીધો છે. છેલ્લા ૬ દાયકાથી કેરળમાં જે ડાબેરીઓનો દબદબો હતો, તે કિલ્લો હવે કોંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ (UDF) એ જીતી લીધો છે. ૧૪૦ બેઠકોમાંથી ૧૦૨ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને UDF એ ડાબેરી મોરચા (LDF) ના સૂપડા સાફ કરી દીધા છે. આ પરિણામો પર અમેરિકાના જાણીતા પોલિસી એક્સપર્ટ માર્ક ડબોવિટ્ઝે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે અમેરિકી નાગરિકોની સરખામણીએ ભારતીય મતદારોને વધુ સમજદાર ગણાવ્યા છે.
માર્ક ડબોવિટ્ઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, "ભારત કમ્યુનિસ્ટોને સત્તામાંથી બહાર ફેંકી રહ્યું છે, જ્યારે અમેરિકા હજુ પણ પોતાના શહેરો અને રાજ્યોમાં તેમને ચૂંટી રહ્યું છે. હા, અમે એટલા બેવકૂફ છીએ." તેમણે ભારતીય લોકશાહીના વખાણ કરતા ઉમેર્યું કે ભારત હવે ડાબેરી શાસનથી મુક્ત થઈ રહ્યું છે, જે એક પ્રગતિશીલ કદમ છે. કેરળમાં પિનારાઈ વિજયન સરકારના પતન સાથે જ ભારત હવે 'લેફ્ટ મુક્ત' રાજકીય નકશા તરફ આગળ વધ્યું છે.
ડાબેરીઓનો છેલ્લો ગઢ પણ ધરાશાયી
વર્ષ ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં ૩૪ વર્ષના શાસનનો અંત આવ્યો અને ૨૦૧૮માં ત્રિપુરામાં ભાજપે ડાબેરીઓને સત્તા બહાર કર્યા બાદ કેરળ તેમનો છેલ્લો આશ્રયસ્થાન હતું. હવે કેરળમાં પણ હાર મળતા ડાબેરી પક્ષો માટે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. નિષ્ણાતો માને છે કે યુવા પેઢી હવે માત્ર સબ્સિડી કે પેન્શન પર નિર્ભર રહેવાને બદલે આર્થિક વિકાસ, ખાનગી રોકાણ અને નોકરીની નવી તકો ઈચ્છે છે, જે ડાબેરી વિચારધારા પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે.
ઐતિહાસિક જનાદેશ
આ વખતની ચૂંટણીમાં UDF ને ૧૦૨, LDF ને ૩૫ અને ભાજપને ૩ બેઠકો મળી છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સહિતના દિગ્ગજ નેતાઓને પોતાની બેઠકો બચાવવા માટે આકરો સંઘર્ષ કરવો પડ્યો હતો. ૨૦૦૪માં લોકસભામાં ૫૯ બેઠકો ધરાવતો ડાબેરી મોરચો હવે સંસદમાં માત્ર ૫ બેઠકો પર સમેટાઈ ગયો છે. આ પતન દર્શાવે છે કે ભારતના મતદારો હવે પરિવર્તન અને આધુનિક આર્થિક નીતિઓ તરફ વળ્યા છે. અમેરિકી એક્સપર્ટની આ ટિપ્પણીએ હવે સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે.

(5:18 PM IST)