તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
ભારતીય શૅરબજાર માટે લાલબત્તી: નાના એવા તાઇવાને ભારતને પછાડી મેળવી મોટી સિદ્ધિ, એઆઈ (AI) ક્રાંતિમાં ભારત ક્યાં ખોવાયું?
દુનિયાની સૌથી મોટી ચિપ ઉત્પાદક કંપની TSMCના દમ પર તાઇવાનનું માર્કેટ કેપિટલાઇઝેશન પહોંચ્યું ટોચ પર: વિદેશી રોકાણકારોનો ભારતમાંથી મોહભંગ?

નવી દિલ્હી : ભારતીય અર્થવ્યવસ્થા ભલે દુનિયામાં ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાતી હોય, પરંતુ શૅરબજારની વૈશ્વિક રેસમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત કરતાં પણ વિસ્તારમાં નાનો એવો દેશ તાઇવાન, શૅરબજારના મૂલ્યાંકનમાં ભારતને પાછળ છોડીને દુનિયાનું પાંચમું સૌથી મોટું શૅરબજાર બની ગયું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, તાઇવાનના શૅરબજારનું કુલ મૂલ્ય હવે ૪.૯૫ ટ્રિલિયન ડૉલર પર પહોંચ્યું છે, જ્યારે ભારતનું મૂલ્ય ઘટીને ૪.૯૨ ટ્રિલિયન ડૉલર નોંધાયું છે.
ટીએસએમસી (TSMC) ની વિસ્ફોટક તેજીનું પરિણામ
તાઇવાનની આ સફળતા પાછળનું મુખ્ય કારણ વિશ્વની અગ્રણી સેમિકંડક્ટર ઉત્પાદક કંપની ‘ટીએસએમસી’ (TSMC) છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં સેમિકંડક્ટર ચિપ્સની માંગ આસમાને પહોંચી છે, જેના કારણે ટીએસએમસીના શૅરમાં ચાલુ વર્ષે ૪૯ ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. તાઇવાનના મુખ્ય ઇન્ડેક્સમાં આ કંપનીનું વેઇટેજ ૪૨ ટકા જેટલું છે, જેણે આખા દેશના માર્કેટ કેપિટલાઇઝેશનને નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધું છે.
ભારત કેમ પાછળ રહી ગયું?
એક્સપર્ટ્સનું માનવું છે કે વૈશ્વિક રોકાણકારોનું ધ્યાન હાલમાં સંપૂર્ણપણે AI અને ટૅક હાર્ડવેર પર કેન્દ્રિત છે. રુચિર શર્મા જેવા જાણીતા આર્થિક નિષ્ણાતોના મતે, ભારત આ નવી તકનીકી દોડમાં ‘નબળા ખેલાડી’ તરીકે સાબિત થઈ રહ્યું છે. ભારતનું IT સેક્ટર હજુ પણ સસ્તા શ્રમ અને આઉટસોર્સિંગ પર નિર્ભર છે, જ્યારે તાઇવાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો રિસર્ચ અને ઇનોવેશન પાછળ જીડીપીના ૪ થી ૫ ટકા જેટલો ખર્ચ કરે છે, જેની સરખામણીએ ભારત માત્ર ૦.૬ ટકા જ ખર્ચ કરી રહ્યું છે.
વિદેશી રોકાણકારોનો મોહભંગ
ચાલુ વર્ષે ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારોએ આશરે ૨૪ અબજ ડૉલર પાછા ખેંચી લીધા છે. વધતો ઊર્જાખર્ચ, કોર્પોરેટ નફામાં ધીમી વૃદ્ધિ અને AI ક્ષેત્રે મજબૂત કંપનીઓની અછતને કારણે રોકાણકારોનું વલણ ભારત તરફથી નકારાત્મક બન્યું છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે પણ ચેતવણી આપી છે કે જો ભારત અત્યાધુનિક તકનીકી ક્ષેત્રોમાં રોકાણ નહીં વધારે, તો રૂપિયા પરનું દબાણ અને આર્થિક પડકારો વધુ ઘેરા બની શકે છે. આંકડા સ્પષ્ટ કરે છે કે જ્યારે દુનિયા ભવિષ્યની ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે, ત્યારે ભારતે પોતાની જૂની આઉટસોર્સિંગ મોડલની માનસિકતા બદલીને ઇનોવેશન પર ભાર મૂકવો અનિવાર્ય છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
