તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ગણેશોત્સવમાં અતિઉત્સાહીઓ માટે લાલ બત્તી: ગણેશ વિસર્જનમાં ડીજે, લેસર લાઈટ્સ અને કેમિકલ સ્પ્રે પર સખત પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને જેલ ભેગા કરાશે!
આંખોનું તેજ છીનવતી લેસર લાઈટ્સ અને હાર્ટ એટેક લાવતા ઘોંઘાટિયા સાઉન્ડ સિસ્ટમ સામે રાયગઢ કલેક્ટરની આકરા પાણીએ કાર્યવાહી: કલમ ૧૬૩ હેઠળ કડક નિયમો લાગુ

નવી મુંબઈ, તા.૧૬: મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં યોજાનારા ગણેશ વિસર્જન સરઘસોને શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે વહીવટીતંત્રે એક અત્યંત મહત્વનો અને આકરો નિર્ણય લીધો છે. રાયગઢ જિલ્લા વહીવટીતંત્રે જાહેર આરોગ્ય, નાગરિકોની સુરક્ષા અને આંખોમાં થતી ગંભીર ઈજાઓને ધ્યાનમાં રાખીને ૧૯ સપ્ટેમ્બર (છઠ્ઠા દિવસનું વિસર્જન) અને ૨૫ સપ્ટેમ્બર (અનંત ચતુર્દશી) ના રોજ યોજાનારા વિસર્જન સરઘસો દરમિયાન ડોલ્બી/ડીજે સાઉન્ડ સિસ્ટમ્સ, હાઈ-ઈન્ટેન્સિટી લેસર બીમ લાઈટ્સ, સ્નો સ્પ્રે અને કેમિકલ સ્પ્રેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.
રાયગઢના જિલ્લા કલેક્ટર કિશન જવલેએ 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩'ની કલમ ૧૬૩ હેઠળ આ નિવારક આદેશો જારી કર્યા છે. તેમણે તમામ જાહેર ગણેશ મંડળો અને ડીજે સંચાલકોને સ્પષ્ટ સૂચના આપી છે કે વિસર્જન દરમિયાન આ પ્રતિબંધિત સાધનોનો જરાય ઉપયોગ કરી શકાશે નહીં.
આંખોનું અંધાપો અને હૃદયરોગના હુમલાનો ભય
વહીવટીતંત્રે આ નિર્ણય પાછળના ગંભીર આરોગ્ય જોખમો સ્પષ્ટ કર્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સરઘસોમાં વપરાતી કાન ફાડી નાખે તેવી સાઉન્ડ સિસ્ટમ્સના લીધે સાંભળવાની ક્ષમતા ગુમાવવી અને નાના બાળકો તથા વૃદ્ધોને હૃદયરોગના હુમલા (Cardiac Attack) આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ઉપરાંત, અગાઉના વર્ષોમાં તીવ્ર લેસર બીમ લાઈટ્સના કારણે અનેક લોકો તથા સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનોની આંખોના પડદા બળી જવાની અને કાયમી અંધાપો આવવાની ભયાનક ઘટનાઓ બની છે. કેમિકલ આધારિત સ્નો સ્પ્રે પણ ત્વચા અને શ્વાસ માટે અત્યંત હાનિકારક સાબિત થયા છે.
નિયમ તોડનાર સામે 'ભારતીય ન્યાય સંહિતા' હેઠળ જેલની તૈયારી
જિલ્લા વહીવટીતંત્રે કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે વિસર્જનમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી પ્રથમ પ્રાથમિકતા છે. જો કોઈ પણ વ્યક્તિ, આયોજક, ગણેશ મંડળ કે સાઉન્ડ સિસ્ટમ સંચાલક આ આદેશનું અનાદર અથવા ઉલ્લંઘન કરતો ઝડપાશે તો તેની સામે 'ભારતીય ન્યાય સંહિતા' ની કલમ ૨૨૩ હેઠળ તાત્કાલિક દંડાત્મક ગુનો નોંધીને જેલ ભેગા કરવાની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
