News of Friday, 4th September 2026
‘વ્યાજ દર ઘટાડો નહીંતર ટ્રેડ બંધ કરી દઈશ’: ફેડરલ રિઝર્વને ડોનાલ્ડ ટ્રમ્પનું અલ્ટિમેટમ, વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ!
ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને અમેરિકી પ્રમુખે મચાવ્યો ભડકો: યુએસ સાથે ટ્રેડ સરપ્લસ ધરાવતા દેશો સાથે વેપાર રોકી દેવાની આપી સીધી ધમકી

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક વલણથી વૈશ્વિક અર્થતંત્ર અને નાણાકીય બજારોમાં મોટો ભડકો કર્યો છે. ટ્રમ્પે યુએસ ફેડરલ રિઝર્વને વ્યાજ દરો તાત્કાલિક ઘટાડવાની વિનંતી કરતા કડક અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ ધમકી આપી છે કે જો ફેડ વ્યાજ દરોમાં ઘટાડો નહીં કરે, તો યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર સરપ્લસ (Trade Surplus) ધરાવતા અને અમેરિકા સામે વેપારી ખાધ ઊભી કરતા દેશો સાથે અમેરિકા તમામ વેપાર બંધ કરી દેશે.
ઓગસ્ટના પેરોલ ડેટા બાદ ટ્રમ્પનો પિત્તો ગયો:
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર ઓગસ્ટ મહિનાના પેરોલ ડેટા જાહેર થયા બાદ આ નિવેદન આપ્યું હતું. ઓગસ્ટમાં યુએસ અર્થતંત્રમાં ૧,૬૨,૦૦૦ નવી નોકરીઓ ઉમેરાઈ છે. આ આંકડાઓને ટાંકીને ટ્રમ્પે લખ્યું, "અમેરિકાની ક્રેડિટ પ્રોફાઇલ થોડા સમય પહેલા કરતાં હવે ઘણી મજબૂત છે, તેથી વ્યાજ દરો તરત જ ઘટાડવા જોઈએ. જો દર નહીં ઘટે તો હું એવા દેશો સાથે વેપાર બંધ કરી દઈશ જેમની સામે આપણી મોટી વેપારી ખાધ છે."
ફેડ અધિકારીઓને 'દેશભક્ત' બનવાની સલાહ:
ટ્રમ્પે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વોર્શ અને બોર્ડના સભ્યોને સીધો સંદેશ આપતા કહ્યું કે તેમણે "હોશિયાર અને દેશભક્ત" બનવાની જરૂર છે. તેમણે દલીલ કરી હતી કે મજબૂત અમેરિકન અર્થતંત્રને કારણે ધિરાણ ખર્ચ (Borrowing Costs) ઓછો હોવો જોઈએ. ટ્રમ્પના મતે, યુએસ પાસે વિશ્વના અન્ય કોઈ પણ દેશ કરતાં સૌથી નીચા વ્યાજ દર હોવા જોઈએ.
સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આપ્યો હવાલો:
પોતાના આ નિર્ણય અને ધમકીને વાજબી ઠેરવતા ટ્રમ્પે દાવો કર્યો કે તેમની પાસે આ પ્રકારના આકરા પગલાં લેવાનો પૂર્ણ કાનૂની અધિકાર છે. તેમણે ટેરિફ અંગે યુ.એસ. સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે રાષ્ટ્રપતિ પાસે આવા નિર્ણય લેવાનો અધિકાર છે અને આ પગલું સામાન્ય ટેરિફ કરતાં પણ વધુ અસરકારક સાબિત થશે.
(9:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
