તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
કરકસર માટે PM મોદીની સુરક્ષા ઘટાડવી દેશહિતમાં નથી: વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ડ્રોન અને સ્નાઈપરના ખતરા અંગે R&AW ના પૂર્વ વડા સામંત ગોયેલની મોટી ચેતવણી
ઇંધણ બચાવવા વડાપ્રધાને પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડીને માત્ર બે કરી; પડોશી દેશોની આતંકવાદી પ્રવૃત્તિઓ અને ટ્રમ્પ પર થયેલા હુમલાનો હવાલો આપી પૂર્વ જાસૂસી વડાએ સુરક્ષા વધુ લોખંડી કરવા કરી અપીલ

નવી દિલ્હી : વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તેલ અને ઉર્જા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંધણ બચાવવાની અપીલ કર્યા બાદ પોતે જ એક મોટો આદર્શ સ્થાપિત કર્યો છે. પીએમ મોદીએ દેશના સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે પોતાના હાઈ-પ્રોફાઈલ સુરક્ષા કાફલા (Convoy) ના કદમાં મોટો કાપ મૂકીને તેને માત્ર બે વાહનો સુધી મર્યાદિત કરી દીધો છે. વડાપ્રધાનના આ આદેશ બાદ સરકારના અન્ય કેન્દ્રીય મંત્રીઓએ પણ પોતાના કાફલા નાના કર્યા છે. જોકે, પીએમ મોદીના આ આકરા નિર્ણય સામે ભારતની પ્રખ્યાત બાહ્ય ગુપ્તચર એજન્સી 'રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ' (R&AW) ના ભૂતપૂર્વ વડા સામંત ગોયેલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શનિવારે નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, માત્ર કરકસર કે પૈસા બચાવવા માટે દેશના વડાપ્રધાનની સુરક્ષા સાથે આવા પ્રયોગો કરવા બિલકુલ યોગ્ય નથી અને તે રાષ્ટ્રીય હિતમાં પણ નથી.
અમેરિકામાં ટ્રમ્પ પર હુમલા થઈ શકતા હોય તો પરિસ્થિતિ કેટલી નાજુક?
રો ના પૂર્વ વડા સામંત ગોયેલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ભયાનક અસ્થિરતાનો હવાલો આપતા સમજાવ્યું હતું કે, "હાલમાં વૈશ્વિક સુરક્ષાની સ્થિતિ અત્યંત ગંભીર અને નાજુક વળાંક પર છે. અમેરિકા જેવા વિશ્વના સૌથી સુરક્ષિત માનવામાં આવતા દેશમાં રાષ્ટ્રીય નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક પછી એક ત્રણ વખત જીવલેણ હુમલાના પ્રયાસો થઈ ચૂક્યા છે. ભારત વિરોધી અનેક આંતરરાષ્ટ્રીય તત્વો અને સંગઠનો અત્યારે સક્રિય છે, અને ખાસ કરીને આપણા પડોશી દેશ (પાકિસ્તાન) દ્વારા સરહદ પારથી આતંકવાદી પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે."
આધુનિક ટેકનોલોજી અને ડ્રોન ખતરા વચ્ચે સુરક્ષા સમીક્ષા જરૂરી
સામંત ગોયેલે વધુમાં ઉમેર્યું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય સરહદો પર અને દેશની અંદર આતંકવાદી ઘટનાઓ અને કાવતરાંઓ વધી રહ્યા હોય, ત્યારે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક, આધુનિક અને વિશેષ બનાવવાની જરૂર હોય છે, નહીં કે તેમાં ઘટાડો કરવાની. આજના સમયમાં પરંપરાગત હુમલાઓ ઉપરાંત અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી અને લોંગ-રેન્જ સ્નાઈપર ગન (Sniper Guns) જેવા ઘાતક હથિયારો અસ્તિત્વમાં આવી ગયા છે. આવા ગંભીર ખતરાના મૂલ્યાંકનને જોતા સરકારે પીએમ મોદીની સુરક્ષાનું કદ ઘટાડવાને બદલે તેને ટેકનોલોજીકલ રીતે વધુ મજબૂત કરવી જોઈએ. વડાપ્રધાન દેશની અમૂલ્ય સંપત્તિ છે, તેથી તેમના પ્રોટોકોલમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ આખા રાષ્ટ્રને મુશ્કેલીમાં મૂકી શકે છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
