<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

પાકિસ્‍તાન-બાંગ્‍લાદેશથી આવેલા શરણાર્થીઓ માટે હવે ‘ડબલ પાસપોર્ટ' રાખવા અશકય

CAA નિયમોમાં મોટો ફેરફારઃ ભારત સરકારનો રાષ્‍ટ્રીય સુરક્ષા માટે અત્‍યંત કડક નિર્ણય : નાગરિકતા મેળવ્‍યાના ૧૫ દિવસમાં વિદેશી દસ્‍તાવેજો જમા કરાવવા પડશેઃ જૂના દસ્‍તાવેજો છુપાવનાર સામે થશે લાલ આંખ

નવી દિલ્‍હી, તા.૧૯: કેન્‍દ્ર સરકારે નાગરિકતા સુધારા કાયદા અંતર્ગત પાકિસ્‍તાન, અફઘાનિસ્‍તાન અને બાંગ્‍લાદેશથી આવેલા લઘુમતી શરણાર્થીઓ માટે નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને અત્‍યંત જટિલ અને સુરક્ષિત બનાવી દીધી છે. ગળહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ, હવે માત્ર ધાર્મિક ઉત્‍પીડનનો દાવો પૂરતો નથી, પરંતુ અરજદારે પોતાના મૂળ દેશના પાસપોર્ટની તમામ વિગતો ક્રિસ્‍ટલ ક્‍લિયર કરવી પડશે. જો કોઈ અરજદાર પાસે પાકિસ્‍તાન કે બાંગ્‍લાદેશનો સક્રિય અથવા એક્‍સપાયર થયેલો પાસપોર્ટ હશે, તો તેની સંપૂર્ણ વિગતો સોગંદનામા સાથે આપવી ફરજિયાત છે. આ પગલાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય રાષ્‍ટ્રીય સુરક્ષામાં ગાબડાં પાડતા તત્‍વોને રોકવાનો અને નાગરિકતાની -ક્રિયામાં રહેલી છટકબારીઓ પૂરી કરવાનો છે, જેથી ભવિષ્‍યમાં કોઈ પણ વ્‍યક્‍તિ ભારતીય અને વિદેશી એમ બેવડી ઓળખનો દુરુપયોગ ન કરી શકે.

આ નવા નિયમો પાછળનું ટેકનિકલ કારણ ભારતની સિંગલ સિટિઝનશિપ (એકલ નાગરિકતા) ની કડક નીતિ છે. સુરક્ષા એજન્‍સીઓના રિપોર્ટમાં જાણવા મળ્‍યું હતું કે ઘણા કિસ્‍સાઓમાં લોકો ભારતીય નાગરિકતા મેળવ્‍યા બાદ પણ ગુપ્ત રીતે પાકિસ્‍તાન કે બાંગ્‍લાદેશના પાસપોર્ટ સાચવી રાખતા હતા, જેનો ઉપયોગ શંકાસ્‍પદ પ્રવળત્તિઓ અથવા ગેરકાયદેસર અવરજવર માટે થઈ શકતો હતો. હવે નવી જોગવાઈ મુજબ, નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત થયાના માત્ર ૧૫ દિવસની અંદર જ અરજદારે પોતાનો વિદેશી પાસપોર્ટ સંબંધિત દેશના દૂતાવાસ અથવા સત્તાધિકારી પાસે સરેન્‍ડર કરવો પડશે. આ સરેન્‍ડર કર્યાની પહોંચ જમા કરાવ્‍યા બાદ જ તેમની નાગરિકતાની પ્રક્રિયા કાનૂની રીતે સંપૂર્ણ માનવામાં આવશે. આ પ્રક્રિયાથી હવે શરણાર્થીઓના જૂના દસ્‍તાવેજોનો આખો ટ્રેક રેકોર્ડ સરકાર પાસે રહેશે.

રાજકીય અને વહીવટી દૃષ્ટિકોણથી જોઈએ તો, આ સુધારો CAA ને વધુ પારદર્શક બનાવવાની દિશામાં માસ્‍ટરસ્‍ટ્રોક મનાય છે. ખાસ કરીને સરહદી વિસ્‍તારોમાં જ્‍યાં નકલી દસ્‍તાવેજો અને ઘૂસણખોરીની સમસ્‍યા ગંભીર છે, ત્‍યાં આ કડક ચકાસણી ફિલ્‍ટર તરીકે કામ કરશે. સરકાર એ સ્‍પષ્ટ કરવા માંગે છે કે ભારત માનવતાના ધોરણે શરણાર્થીઓને આવકારે છે, પરંતુ તે દેશની આંતરિક સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. અરજદારોએ હવે પાસપોર્ટ નંબર, ઇશ્‍યૂ થયાની તારીખ અને સ્‍થળ જેવી બારીક વિગતો આપવી પડશે, જેનાથી ઓળખની ચોરીના કિસ્‍સાઓ અટકશે. આ નવા ફેરફારથી ભલે નાગરિકતા મેળવવાની પ્રક્રિયા થોડી લાંબી બને, પણ તે ભારતની સુરક્ષા દિવાલને વધુ મજબૂત બનાવશે તેમાં કોઈ શંકા નથી. 

 

(10:41 AM IST)