<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

વાજબી કારણ વગર જાતીય સંબંધોનો ઇનકાર છૂટાછેડાનો એક માન્‍ય આધારઃ SC

પતિ પત્‍ની વચ્‍ચે વૈવાહિક અધિકારોનો ઇનકાર માનસિક ક્રૂરતા : લગ્ન સંબંધ માત્ર કાગળ પર જાળવી રાખવાનો કોઈ અર્થ નથી

આશરે ૧૫ વર્ષ અલગ રહેતા એક ડોક્‍ટર્સ દંપતીના છૂટાછેડાને મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે લગ્ન સબંધિત કોર્ટ કેસો લાંબા સમય સુધી પડતર રહે તો લગ્ન માત્ર કાગળ પર જ જીવંત રહે છે. ભારતીય અદાલતો વારંવાર કહી ચૂકી છે કે વાજબી કારણ વગર જીવનસાથીને સતત શારીરિક સંબંધોથી વંચિત રાખવું ગંભીર ભાવનાત્‍મક પીડા પહોંચાડે છે. અને લગ્નના મૂળ આધારને નબળો પાડે છે અને તે છૂટાછેડાનો આધાર બની શકે છે.

ન્‍યાયાધીશ સંજય કરોલ અને ઓગસ્‍ટિન જ્‍યોર્જ મસીહની ખંડપીઠે નોંધ્‍યું હતું કે રાજસ્‍થાન હાઈકોર્ટે ઘણા આધારો પર છૂટાછેડા મંજૂર કર્યા હતાં, જેમાં પત્‍ની દ્વારા અનેક વખત જાતીય સંબંધોનો ઈનકાર કરીને પતિ સામે કરવામાં આવેલી ક્રૂરતા પણ એક આધાર હતો. પતિની અપીલને મંજૂરી આપીને આપવામાં આવેલ છૂટાછેડાનું હુકમનામું માન્‍ય રાખવામાં આવે છે. કોર્ટે જણાવ્‍યું હતું કે વાજબી કારણ વગર જાતીય સંબંધોનો સતત ઈનકાર કરવા સહિત વૈવાહિક

અધિકારોનો ઈનકાર માનસિક ક્રૂરતા ગણાય છે અને હિન્‍દુ લગ્ન ધારાની કલમ ૧૩(૧)(ર્શી) હેઠળ છૂટાછેડા માટે માન્‍ય આધાર છે. ખંડપીઠે નોંધ્‍યું હતું કે ડિસેમ્‍બર ૨૦૦૭માં લગ્ન કરનાર પતિ અને પત્‍ની બંને ડોક્‍ટર છે અને અનુક્રમે રાજસ્‍થાન તથા ગુજરાતમાં સરકારી સેવા બજાવે છે. બંને ૧૫ વર્ષથી વધુ સમયથી અલગ રહે છે, તેમના કોઈ સંતાન નથી અને અનેક પ્રયાસો છતાં સમાધાન શક્‍ય બન્‍યું નથી. બંધારણની કલમ ૧૪૨ હેઠળની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે આ લગ્ન સંપૂર્ણપણે તૂટી ગયા છે અને હવે તેમને જાળવી રાખવાનો કોઈ અર્થ નથી. હાઈકોર્ટના આદેશને પડકારતી પત્‍ની દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમ કોર્ટે ૨ જૂને પોતાનો ચુકાદો આપ્‍યો હતો.

(10:01 AM IST)