News of Saturday, 23rd May 2026
બંગાળમાં બદલાયું શાસન : ગર્જ્યું બુલડોઝર: મમતા બેનર્જીની પાર્ટીએ કોલકાતામાં હાઈપ્રોફાઈલ ઓફિસ ગુમાવી
સુવેન્દુ અધિકારીની નવી ભાજપ સરકારના વહીવટી સપાટા વચ્ચે કોલકાતાના 'તૃણમૂલ ભવન'ને ખાલી કરવાનું અલ્ટીમેટમ : આસનસોલમાં ટીએમસી કાઉન્સિલરની ગેરકાયદે ઓફિસ પર ચાલ્યું બુલડોઝર

કોલકાતા : પશ્ચિમ બંગાળના રાજકારણમાં વર્ષ ૨૦૨૬માં થયેલા ઐતિહાસિક સત્તા પરિવર્તન બાદ તૃણમૂલ કોંગ્રેસની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વવાળી નવી સરકાર એક્શન મોડમાં આવતા જ મમતા બેનર્જીની પાર્ટીને એકસાથે બે મોટા આંચકા લાગ્યા છે. કોલકાતાના હાર્દ સમાન EM બાયપાસ નજીક મેટ્રોપોલિટન વિસ્તારમાં કાર્યરત TMCના અસ્થાયી રાજ્ય મુખ્યાલય 'તૃણમૂલ ભવન'ને આગામી બે મહિનામાં સંપૂર્ણ ખાલી કરવા માટે મકાનમાલિક મન્ટુ સાહાએ કડક કાનૂની અલ્ટીમેટમ ફટકારી દીધું છે. ટોપસિયામાં આવેલી મુખ્ય ઓફિસનું નવીનીકરણ હજુ અધૂરું હોવાથી હવે મમતાના રણનીતિકારો માટે હાઈપ્રોફાઈલ બેઠકો યોજવા નવું સરનામું શોધવાની મોટી આફત આવી પડી છે.
કોલકાતામાં મિલકત ગુમાવ્યાના આંચકામાંથી પક્ષ બહાર આવે તે પહેલાં જ શનિવારે બંગાળના ઔદ્યોગિક ગઢ આસનસોલ (બર્નપુર)માં વહીવટીતંત્રનું બુલડોઝર ધણધણી ઊઠ્યું હતું. SAIL-ASP મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી રેલ્વે સ્ટેશન નજીકની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર રાજકીય દબાણોને એક જ ઝાટકે જમીનદોસ્ત કરી દીધા હતા. આ કડક કાર્યવાહી દરમિયાન પ્રશાસનના પીળા પંજાએ બર્નપુરના શક્તિશાળી TMC કાઉન્સિલર અશોક રુદ્રના મુખ્ય કાર્યાલય સહિત આસપાસના તમામ ગેરકાયદેસર રાજકીય બાંધકામોને કાટમાળમાં ફેરવી નાખ્યા હતા, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે.
આ આક્રમક કાર્યવાહીને પગલે પશ્ચિમ બંગાળમાં ભારે રાજકીય સંગ્રામ શરૂ થયો છે. તૃણમૂલ કોંગ્રેસે આ વલણને સત્તાધારી પક્ષનો દ્વેષપૂર્ણ રાજકીય બદલો ગણાવ્યો છે, જ્યારે ભાજપના સ્થાનિક ધારાસભ્ય કૃષ્ણેન્દુ મુખર્જીએ સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું છે કે, "આ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માત્ર શરૂઆત છે. સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો ભલે ગમે તે પક્ષના હોય, તેને તોડી જ પાડવામાં આવશે." સત્તા બદલાતા જ રાજ્યભરમાં મકાનમાલિકો ટીએમસી ઓફિસોના લીઝ કરાર લંબાવવાનો ઈનકાર કરી રહ્યા હોવાથી તૃણમૂલનું પાયાનું સંગઠનાત્મક માળખું હચમચી ગયું છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
