તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ફિઝિયોથેરાપિસ્ટ સહિતના હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે પ્રેક્ટિસ કરવા રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું
નેશનલ કમિશન ફોર એલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશને રજિસ્ટ્રેશન સહિતનાં રેગ્યુલેશન જાહેર કર્યા : દરેક રાજ્યની સ્ટેટ કાઉન્સિલ રજિસ્ટ્રેશન કરશે અને ત્યારબાદ તેમને યુનિક ID નંબર પણ ફાળવાશે

નવી દિલ્હીઃ તા.૧૭: અલાઈડ એન્ડ હેલ્થકેર કોર્સિસનો અભ્યાસ કરી ચુકેલા અને ભવિષ્યમાં અભ્યાસ કરનારા સહિતના તમામ પ્રોફેશનલ્સ માટે પ્રેક્ટિસ લાયસન્સ મેળવવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. નેશનલ કમિશન ફોર અલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન દ્વારા આ માટે રજિસ્ટ્રેશન સહિતના રેગ્યુલેશન જાહેર કર્યા છે. જે અનુસાર, હવે ફિઝિયોથેરાપિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, ઓપ્ટોમેટ્રિસ્ટ, લેબ ટેકનીશયન સહિતના વિવિધ પ્રોફેશનલ્સે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન સાથે સરકારને પ્રોફેશનલ્સનો ચોક્કસ ડેટા મળશે. નેશનલ કમિશન ફોર અલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન અસ્તિત્વમાં આવ્યા બાદ દરેક રાજ્યની સ્ટેટ કાઉન્સિલ પણ બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૧માં નેશનલ કમિશન ફોર અલાઈડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન એક્ટ લાગુ કરવામાં આવ્યું હતું. આ એક્ટ લાગુ કરવામાં આવ્યા બાદ ૨૦૨૩થી કમિશન અસ્તિતત્વમાં આવ્યું છે. આ કમિશન દ્વારા ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, ઓપ્ટોમેટ્રી, ન્યુટ્રિશન, મેડિકલ લેબોરેટરી, મેડિકલ રેડિયોલોજી, કમ્યુનિટી કેર, મેડિકલ ટેકનોલોજીસ્ટ તેમજ હેલ્થ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટ સહિતની જુદી જુદી ૧૦ કેટેગરીમાં ૫૭ કોર્સિસના પ્રોફેશનલ્સ તૈયાર કરવા માટે ૧૮ કોર્સિસના કોમન કરીક્યુલમ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૪ કોર્સિસના ડ્રાફટ કરીક્યુલમ તૈયાર કરાયા છે. આ કોર્સિસમાં અત્યાર સુધી દેશમાં વિવિધ કોલેજો-યુનિવર્સિટીઓમાંથી ભણીને બહાર નીકળેલા પ્રોફેશનલ્સ અને હવે પછીના ભણીને તૈયાર થનારા પ્રોફેશનલ્સ માટે કમિશન દ્વારા નવા રેગ્યુલેશન્સ પણ તૈયાર કરી દેવાયા છે. કમિશન હેઠળ હાલ વિવિધ રાજ્યોમાં સ્ટેટ કાઉન્સિલો પણ બની છે અને જે અંતર્ગત ઓટોનોમસ બોર્ડ પણ બની રહ્યા છે. જેમાં ગુજરાતમાં ચાર સ્વતંત્ર બોર્ડ બની ગયા હોવાથી ગુજરાતમાં અલાઈડ-હેલ્થકેરના પ્રોફેશનલ્સનું રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે.
નેશનલ કમિશન દ્વારા રજિસ્ટ્રેશન સહિતના રેગ્યુલેશન્સ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ દરેક રાજ્યના પ્રોફેશનલ્સનું જે તે રાજ્યની સ્ટેટ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થશે. કમિશન દ્વારા થોડા દિવસમાં સ્વાસ્થ્ય સંગમ નામનું પોર્ટલ પણ શરૂ કરાશે, જેના પર ફિઝિયોથેરાપિસ્ટ સહિતના તમામ પ્રોફેશનલ્સે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવનારને યુનિક આઈડી નંબર મળશે અને ઓનલાઈન સર્ટિફિકેટ મળશે, જેના આધારે જે તે વ્યક્તિ જુદા જુદા આ પ્રોફેશનમાં પ્રેક્ટિસ કરી શકશે.
રજિસ્ટ્રેશન વિના પ્રેક્ટિસ માટેની સજાની જોગવાઈઓ પણ કરાઈ છે. દર પાંચ વર્ષે રજિસ્ટ્રેશન રીન્યુ કરાવવાનું રહેશે. જે રાજ્યોમાં હજુ સુધી કાઉન્સિલ બની નથી તે રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રોફેશનલ્સે સેન્ટ્રલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સેન્ટરમાં રજિસ્ટ્રેશન માટે રૂ. ૨ હજાર ફી રખાઈ છે, જ્યારે સ્ટેટ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન માટે ફી હજુ નક્કી નથી. રેગ્યુલેશન જાહેર કરાયા છે તેમાં, કોઈ પણ પેથોલોજી લેબ, સ્કેનિગ સેન્ટર કે ડોક્ટર સાથે દર્દી મોકલવા બદલ કમિશન લેવા કે ફીના ભાગ પાડવા પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈ પણ ટેસ્ટ કે સારવાર કરતા પહેલા દર્દીની સહી સાથે સંમતિ લેવી પડશે. આ ઉપરાંત દર્દીનો મેડિકલ રેકોર્ડ ઓછામાં ઓછા ૩ વર્ષ સુધી સાચવી રાખવો પડશે. પ્રોફેસનલ્સ કોઈ ચોક્કસ દવા, બ્રાન્ડ કે પ્લેટફોર્મને પોતાની પદવીના નામે પ્રમોટ કરી શકશે નહીં
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
