News of Saturday, 16th May 2026
ઈન્કમટેક્સના ફોર્મ નંબર એક-ચારની યુટીલીટી આખરે જાહેર થતાં હાશકારો
કરદાતાઓ હવેથી રીટર્ન ભરવાની તૈયારીઓ ઝડપથી કરી શકશે

નવી દિલ્હી,તા.૧૬: ઈન્કમટેક્સ રિટર્નમાં કરવામાં આવેલા સુધારા વધારા બાદ દર વર્ષે આઇટીઆર ૧ અને ૪ના ફોર્મ સાથે તેની યુટીલીટી જાહેર કરતા હોય છે. તેમાં દર્શાવવામાં આવેલી વિગતોના આધારે કરદાતાઓએ રીટર્ન ભરવા માટેની વિગતો રજુ કરવાની હોય છે. આ બંને ફોર્મની યુટીલીટી ઈન્કમટેક્સ પોર્ટલ પર જાહેર કરી દેવામાં આવતા હવેથી કરદાતાઓ ઝડપથી રીટર્ન ભરી શકશે.
નાણાંકીય વર્ષ શરુ થયા બાદ એકાદ મહિનામાં આઈટીઆર ફોર્મ નંબર ૧ અને ચારની યુટીલીટી બહાર પાડી દેવામાં આવતી હોય છે. કેટલીક વખત તેને જાહેર કરવામાં મોડું થવાના લીધે રીટર્ન ભરવામાં કરદાતાઓને સમસ્યા રહેતી હોય છે. આ કારણોસર રીટર્ન ભરવાની મુદત લંબાવવાની પણ માંગણી કરવામાં આવતી હોય છે. જ્યારે ચાલુ વર્ષે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ૧૫ મેના રોજ ઈન્કમટેક્સ પોર્ટલ પર ફોર્મ નંબર એક અને ચારની યુટીલીટી જાહેર કરી દેવામાં આવી છે. તેના લીધે કરદાતાઓ રીટર્ન ભરવાની તમામ તૈયારીઓ કરી શકશે. તેમજ યુટીલીટીમાં દર્શાવવામાં આવેલી વિગતોના આધારે ડેટા તૈયાર કરવામાં પણ સરળતા રહેવાની છે. સાથે સાથે રીટર્ન ભરતા પહેલા યુટીલીટી વહેલી જાહેર કરી દેવામાં આવી હોવાના લીધે છેલ્લી ઘડીએ રીટર્ન ભરવામાં તકલીફ નહીં પડે તેની તકેદારીના ભાગરુપે ચાલુ વર્ષે વહેલી યુટીલીટી જાહેર કરી દેવામાં આવી છે.
૧૫ જૂન પહેલા રીટર્ન ભરવાની શકયતા ઓછી
ટીડીએસની વિગતો પોર્ટલ પર ૧૦થી ૧૫ જુનની આસપાસ દેખાતી હોય છે. તેના કારણે કરદાતાઓ દ્વારા ૧૫ જુન બાદ જ રીટર્ન ફાઇલ કરતા હોય છે. કારણ કે તે પહેલા રીટર્ન ફાઇલ કરી દેવામાં આવે તો રીટર્નમાં સુધારા કરવા પડે અથવા તો ટીડીએસનો જે લાભ મળવાનો હોય તે જતો કરવો પડે તેવી સ્થિતી સર્જાતી હોય છે. આ કારણોસર મોટાભાગના કરદાતાઓ ટીડીએસની વિગતો પોર્ટલ પર આવ્યા બાદ જ રીટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા કરતા હોય છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
