<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

ભારતમાં વસતા વિદેશી નાગરિકો માટે પાસપોર્ટ- વિઝાના નિયમોમાં રાહત

જૈન, પારસી અને ખ્રિસ્‍તી સમુદાયના વ્‍યક્‍તિઓને કેટલીક છૂટછાટો

નવી દિલ્‍હી :  કેન્‍દ્ર સરકારે ભારતમાં રહેતા અનેક શ્રેણીઓના વિદેશી નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમોમાં રાહત આપી છે. જેમાં આ નાગરિકોને પડોશી દેશો વચ્‍ચે મુસાફરી કરતી વખતે પ્રવાસ અને ઓળખ સંબંધિત નિયમોને પણ સરળ બનાવવામાં આવ્‍યા છે.

જેમાં સરકારે અફઘાનિસ્‍તાન, બાંગ્‍લાદેશ અને પાકિસ્‍તાનથી ભારત આવતા હિન્‍દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્‍તી સમુદાયના વ્‍યક્‍તિઓને કેટલીક છૂટછાટો આપી છે. તેમાં પણ ખાસ કરીને એવા લોકો કે જેઓ ધાર્મિક અત્‍યાચાર અથવા તેના ભયને કારણે ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૪ના રોજ કે તે પહેલાં ભારત આવ્‍યા હતા.

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સંશોધિત નિયમો અનુસાર  ૩૧ ડિસેમ્‍બર ૨૦૦૯ના રોજ અથવા તે પહેલાં કાયમી ધોરણે સ્‍થાયી થવાના ઈરાદા સાથે ભારત આવેલા પાકિસ્‍તાની નાગરિકોને પાસપોર્ટ રિન્‍યુઅલ માટે સામાન્‍ય શરતોમાંથી મુક્‍તિ આપવામાં આવી છે. આ છૂટ તે લોકો માટે છે જેઓ પાકિસ્‍તાન દ્વારા જાહેર કરાયેલ ‘કોમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ નેશનલ આઈડેન્‍ટિટી કાર્ડ'  ન હોવાને કારણે તેમના પ્રવાસ દસ્‍તાવેજો રિન્‍યૂ કરવામાં સક્ષમ નથી.

આ ઉપરાંત રાહત હેઠળ આવરી લેવામાં આવેલી ત્રીજી શ્રેણીમાં ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. જેમણે મલેશિયા અથવા સિગાપોરની નાગરિકતા મેળવી હતી અને તે દેશો દ્વારા જાહેર કરાયેલ પાસપોર્ટ પર ૩૧ ડિસેમ્‍બર, ૨૦૦૯ના રોજ અથવા તે પહેલાં ભારત પરત ફર્યા હતા. આ લોકોના પાસપોર્ટ એક્‍સપાયર થઈ ગયા છે. જેને રિન્‍યૂ કરવામાં નથી આવ્‍યા કારણ કે આ વ્‍યક્‍તિઓ સંબંધિત દેશોની પાસપોર્ટ રિન્‍યૂની શરતોને પૂર્ણ કરતી નથી

આ ઉપરાંત  જો ભારતીય નાગરિકો નેપાળ કે ભૂટાન સિવાયના અન્‍ય કોઈ દેશમાંથી આવતા હોય અથવા ત્‍યાં જતા હોય, તો ભારત-નેપાળ કે ભારત-ભૂટાન સરહદ મારફતે ભારતમાં પ્રવેશતી કે ભારતમાંથી જતી વખતે તેમને આ જોગવાઈ હેઠળ મળતી મુક્‍તિ લાગુ પડશે નહીં. આ કિસ્‍સાઓમાં તેમની પાસે માન્‍ય પાસપોર્ટ હોવો ફરજિયાત છે. ભારતમાં પ્રવેશવા કે ભારતમાંથી બહાર જવા માટે તેમણે માત્ર નિર્ધારિત ઇમિગ્રેશન ચોકીઓનો જ ઉપયોગ કરવો આવશ્‍યક છે.

(10:07 AM IST)