<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

LPG ની અછતમાંથી મળશે મુક્તિ: દરિયાઈ સીમામાં યુદ્ધ વચ્ચે 'સર્વ શક્તિ' સુપરટેન્કર ભારત આવવા રવાના, રસોઈ ગેસના ભાવ ઘટવાની આશા!

હોર્મુઝની નાકેબંધી વચ્ચે ભારતની મુત્સદ્દીગીરી રંગ લાવી; 45,000 ટન ગેસનો જથ્થો પહોંચશે ભારતીય બંદરો પર, સરકારે બનાવ્યો માસ્ટર પ્લાન

રાજકોટ,: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતમાં રસોઈ ગેસ (LPG) ની જે અછત સર્જાઈ હતી, તે હવે ટૂંક સમયમાં દૂર થવા જઈ રહી છે. ભારત માટે રાહતના સમાચાર એ છે કે, ૪૫,૦૦૦ ટન એલપીજી ભરેલું વિશાળ સુપરટેન્કર ‘સર્વ શક્તિ’ હોર્મુઝની સામુદ્રધુનીમાં લાગેલી કડક નાકેબંધીને પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યું છે. જો આ ટેન્કર સુરક્ષિત રીતે ભારતીય તટે પહોંચશે, તો બજારમાં ગેસની અછત દૂર થશે અને ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે.
સરકારનો એક્શન પ્લાન: પોર્ટ્સને અપાઈ સૂચના
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે દેશે એલપીજી સંકટને પહોંચી વળવા માટે ઘરેલું ઉત્પાદન ક્ષમતા ૬૦% વધારીને ૫૪,૦૦૦ ટન કરી દીધી છે. આ સાથે જ સરકારે તમામ બંદરોને કડક આદેશ આપ્યા છે કે એલપીજી ટેન્કરોને લાંગરવા અને ખાલી કરવા માટે સૌથી પહેલી પસંદગી (Priority) આપવામાં આવે. જેથી સામાન્ય જનતા સુધી રસોઈ ગેસ કોઈપણ અડચણ વગર પહોંચી શકે. હાલમાં દૈનિક વપરાશ પણ ૯૦,૦૦૦ ટનથી ઘટીને ૮૦,૦૦૦ ટન પર આવ્યો છે, જે રાહતની વાત છે.
યુદ્ધની આગ વચ્ચે ભારતની 'સેફ પેસેજ' કૂટનીતિ
ફેબ્રુઆરીના અંતમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી જહાજોની અવરજવર લગભગ બંધ છે. અમેરિકાએ કડક નાકેબંધી કરી છે અને ઈરાને પણ અનેક જહાજો પર ફાયરિંગ કર્યું હોવાના અહેવાલો છે. આવી તણાવભરી સ્થિતિમાં પણ નવી દિલ્હીની કૂટનીતિ સફળ રહી છે. તેહરાન સાથેની દ્વિપક્ષીય વાટાઘાટોને કારણે ભારત અત્યાર સુધીમાં આઠ એલપીજી જહાજોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યું છે.
કતારોમાંથી મળશે રાહત
છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગોમાં ગેસ એજન્સીઓ બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી હતી. ગેસની અછતના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું હતું. પરંતુ હવે 'સર્વ શક્તિ' ના આગમનથી બજારમાં ગેસનો પુરવઠો ફરીથી સામાન્ય થશે. ઉલ્લેખનીય છે કે ભારત એલપીજીનો વિશ્વમાં બીજો સૌથી મોટો ગ્રાહક છે, તેથી આ જહાજનું ભારતીય કિનારે પહોંચવું એ અર્થતંત્ર માટે કોઈ સંજીવનીથી ઓછું નથી.

(11:48 PM IST)