તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 30th April 2026
ગુજરાત સરકારના ૫ લાખથી વધુ પેન્શનરો માટે રાહતના સમાચાર : હવે ૧ મે થી ૩૧ જુલાઈ સુધી પોસ્ટમેન ઘરે આવીને નિઃશુલ્ક બનાવી આપશે 'ડિજિટલ જીવન પ્રમાણપત્ર'
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક અને રાજ્ય સરકાર વચ્ચે થયેલા સમજૂતી કરાર મુજબ હયાતીની ખાતરી માટે હવે ટ્રેઝરી કે બેંકના ધક્કા ખાવા પડશે નહીં : પ્રધાનમંત્રીના "બેંકિંગ સેવાઓ તમારા દ્વાર" વિઝન હેઠળ પેન્શનરોને ઘરઆંગણે સુવિધા મળશે : અન્ય રાજ્યોમાં રહેતા પેન્શનરોને પણ મળશે લાભ

ગાંધીનગર:ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરો માટે હયાતીની ચકાસણી પ્રક્રિયા હવે અત્યંત સરળ બની ગઈ છે. રાજ્ય સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરાર અનુસાર, ૧ મે થી ૩૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો પેન્શનરોના ઘરે જઈને નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપશે. આ સુવિધાથી ગુજરાતના અંદાજે ૫ લાખથી વધુ પેન્શનરોને બેંક કે ટ્રેઝરી કચેરીઓમાં જવાની હાલાકીમાંથી મુક્તિ મળશે.
ઐતિહાસિક સમજૂતી કરાર (MoU):
ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને ગુજરાત સરકારના નાણાં સચિવ સંદીપ કુમારની ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અવસરે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક તરફથી આસીસ્ટન્ટ જનરલ મેનેજર રણવીર સિંહ અને ગુજરાત સરકારના નાણાં વિભાગના નિદેશક અમિત મીણાએ સહી કરી હતી. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨૦૧૮ના "બેંકિંગ સેવાઓ તમારા દ્વાર" વિઝનને સાકાર કરવાની દિશામાં એક મોટું કદમ છે.
ટેકનોલોજી દ્વારા પારદર્શી સેવા:
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા મુજબ, આ સેવામાં ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત) અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસિત 'જીવન પ્રમાણ' એપ્લિકેશન મારફતે પેન્શનરોને થોડી જ વારમાં ડિજિટલ પ્રમાણપત્ર મળી જશે, જેની નકલ સીધી પેન્શન કચેરી સુધી પહોંચી જશે. ગત વર્ષે પણ ૯૩ હજારથી વધુ પેન્શનધારકોએ આ સેવાનો લાભ લીધો હતો, જેમાંથી ૬૨ હજારથી વધુ લોકોએ ઘરે બેઠા સુવિધા મેળવી હતી.
સેવા મેળવવાની પ્રક્રિયા:
આસીસ્ટન્ટ જનરલ મેનેજર રણવીર સિંહએ વિગત આપતા જણાવ્યું કે, જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરે પોસ્ટમેનને પોતાનો આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ (PPO) નંબર આપવાનો રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરના મોબાઈલ પર એસએમએસ (SMS) દ્વારા 'પ્રમાણ આઈડી' આવશે. આ પ્રમાણપત્રને અધિકૃત વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકાશે.
અન્ય રાજ્યોમાં રહેતા પેન્શનરોને પણ લાભ:
ગુજરાત સરકારના જે પેન્શનરો હાલ અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે, તેઓ પણ નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરીને આ સેવાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, પેન્શનરો આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી (AePS) નો ઉપયોગ કરીને પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શનની રકમ પણ ઉપાડી શકશે, જે વૃદ્ધ પેન્શનરો માટે મુસાફરી અને સમયની બચત કરનારું પગલું સાબિત થશે.
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
