News of Wednesday, 28th October 2026
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી રાહતઃ ગુજરાત હાઇકોર્ટનો જામીન અંગેનો ચુકાદો સુપ્રિમકોર્ટે માન્ય રાખ્યો
જામીન મળ્યા છતાં અન્ય કેસમાં રહેવું પડશે જેલમાં

નવી દિલ્હી તા.૨૮: ગોંડલમાં રીબડાના ચર્ચાસ્પદ અમિત ખૂંટ આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિહ જાડેજાને મોટી રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અનિરુદ્ધસિહ જાડેજાને આપવામાં આવેલા જામીનના આદેશને સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યો છે અને ગુજરાત હાઇકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ મામલે ફરિયાદી પક્ષ દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે તમામ દલીલોને ફગાવીને ગુજરાત હાઇકોર્ટના જામીન આદેશને યથાવત રાખ્યો છે.
ગોંડલ પંથકના રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસના પ્રકરણમાં કાયદાકીય લડાઈ લાંબા સમયથી ચાલી રહી છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટે કેસની તમામ પરિસ્થિતિ અને દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને અનિરુદ્ધસિહ જાડેજાને જામીન મંજૂર કર્યા હતા. આ નિર્ણય સામે ફરિયાદી પક્ષે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને જામીન રદ કરવાની માગણી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના ચૂકાદામાં કોઈ પણ હસ્તક્ષેપ કરવા જેવું ન હોવાનું જણાવી અરજી ફગાવી દીધી છે.
અનિરુદ્ધસિંહ જાડેજાને ભલે અમિત ખૂંટ આપઘાત કેસમાં સુપ્રિમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે, પરંતુ તેમની મુશ્કેલીઓ હજુ સંપૂર્ણપણે ઓછી થઈ નથી. અન્ય કોઈ ગુનાહિત કેસો અથવા પ્રક્રિયાના કારણે તેમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૃપે અન્ય કેસોનો નિકાલ ન થાય ત્યાં સુધી તેઓ જેલની બહાર આવી શકશે નહીં. આ ચુકાદાથી રાજકીય વર્તુળોમાં વ્યાપક ચર્ચા જાગી છે અને આગામી દિવસોમાં અન્ય કેસોની સુનાવણી પર સૌની નજર રહેશે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
