<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

જીએસટી નંબર લેવાની પ્રક્રિયા વધુ સરળ બનતા વેપારીઓને રાહત

પાન નંબરના આધારે મોટાભાગની વિગતો ઓટોમેટિક ભરાઈ જશે ?

મુંબઇ તા.૨૯: જીએસટીમાં નવો નંબર લેવા માટેની પ્રક્રિયા સરળ બનાવવાના ભાગરૂપે થોડા સમય પહેલા સાત જ દિવસમાં નંબર આપવાનો નિયમ અમલી બનાવાયો છે. હવે નંબર લેવા માટે ફોર્મ ભરતી વખતે જે વિગતો ભરવી પડતી હતી તેના બદલે પાનનંબર અને આધારકાર્ડ નંબર નાંખતાની સાથે જ તેમાં રહેલી વિગતો ફોર્મમાં આપોઆપ ભરાઈ જશે. જેથી નવો નંબર લેવા માટે વેપારીએ વિગતો ભરવાની ઝંઝટમાંથી છુટકારો મળવાનો છે. આ ઉપરાંત ઓફિસ, ગોડાઉન સહિતના સ્‍થળો માટે લોકેશનની વિગતો પણ આપવી પડતી હતી. તેના બદલે હવે પીનકોડ નંબર નાંખતાની સાથે જ તે વિગતો પણ આવી જશે. જયારે લોકેશન ઓટોમેટિક આપવાની પણ સુવિધા પોર્ટલ પર કાર્યરત કરી દેવામાં આવી છે. આ કારણોસર નવો નંબર લેવા માટેની અરજી કરવામાં આવ્‍યા બાદ મોટાભાગની વિગતો ઓટોમેટિક ભરપાઈ થયેલી જ મળે તેવી વ્‍યવસ્‍થા પોર્ટલ પર કાર્યરત કરી દેવામાં આવી છે.

આ અંગે ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ નારાયણ શર્માએ જણાવ્‍યું હતું કે અરજી કરતી વખતે વારંવાર વિગતો ટાઈપ કરવી નહીં પડે. પાનકાર્ડમાં પહેલેથી જ વિગતો આપેલી હોવાના કારણે તે વિગતો પોર્ટલ ઓટોમેટિક લઈ લેવાના કારણે ભૂલો થવાની પણ શક્‍યતા રહેતી નથી. સાથે સાથે એક પાનકાર્ડ નંબર પર કુલ કેટલા જીએસટી નંબર કાર્યરત છે તેની પણ જાણકારી સરળતાથી મળી રહેવાની છે. સરનામું પણ ઓટોમેટિક પસંદ થવાના લીધે જીએસટી સર્કલ કયું છે તે પણ ઝડપથી નક્કી થવાનું છે. આ ઉપરાંત વેપારી દ્વારા નવો નંબર લેવા માટેની અરજી કરવામાં  આવ્‍યા બાદ તે બરાબર છે કે નહીં તેની વિગતો જોવા માટે એક પીડીએફ પણ પોર્ટલ પરથી વેપારીના કોમ્‍પ્‍યૂટરમાં ડાઉનલોડ કરી શકાશે. આ વિગતોમાં માહિતી આપવામાં આવી છે તે યોગ્‍ય છે  કે નહીં તેની પણ ચકાસણી વેપારી દ્વારા કરી શકાશે. જેથી વેપારીએ નવો નંબર  લેવા માટે પહેલી જે પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હતું તેમાં થણી રાહત થવાની છે. તેમજ આ સુવિધા પોર્ટલ પર શરૂ પણ કરી દેવામાં આવી છે. જીએસટી લાગુ થયા બાદ દસ વર્ષે નંબર લેવા માટેની પક્રિયા સરળ બનાવવામાં આવતા વેપારીઓને હાશકારો થયો છે. કારણ કે, નંબર લેવા માટે તેઓએ ધક્કા ખાવાની નોબત સર્જાતી હતી અને તેના લીધે વેપાર મોડો શરૂ થતો હતો.

(1:38 PM IST)