<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

વિખ્યાત હાસ્યકલાકાર, પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના આફ્રિકાના ચાર કાર્યક્રમો દ્વારા ₹૨.૬૦ કરોડથી વધુની માતબર રકમ એકત્ર : નૈરોબી અને મોમ્બાસામાં સ્થાનિક પ્રજાના આરોગ્ય અને શિક્ષણ માટે તમામ ધનરાશિ અર્પણ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ નૈરોબી ટ્વીગાના ચેરપર્સન શ્રીમતી ચેતનાબહેન દેસાઈના આમંત્રણથી યોજાયેલા કાર્યક્રમો : એકપણ રૂપિયો લીધા વિના "વસુધૈવ કુટુંબકમ્" ના મંત્રને સાર્થક કરતા કલાકાર

નૈરોબી: વિખ્યાત હાસ્યકલાકાર અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા, પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ આફ્રિકાના કેન્યા દેશમાં ચાર વિવિધ સફળ કાર્યક્રમો યોજીને ત્યાં વસતા જરૂરિયાતમંદ આફ્રિકન લોકોના આરોગ્ય અને શૈક્ષણિક ઉત્થાન માટે આશરે ₹૨.૬૦ કરોડ (૩ કરોડ ૪૬ લાખ શિલિંગ) જેટલી માતબર રકમ એકઠી કરી આપીને સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ નૈરોબી ટ્વીગાના આમંત્રણથી આ વિશેષ ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર, કેન્યાના પાટનગર નૈરોબી ખાતે ત્રણ અને મોમ્બાસા ખાતે એક એમ કુલ ચાર કાર્યક્રમો યોજાયા હતા. નૈરોબીના પ્રથમ કાર્યક્રમમાં ૧ કરોડ ૧૦ લાખ શિલિંગ, બીજા કાર્યક્રમમાં ૨ કરોડ ૫ લાખ શિલિંગ અને ત્રીજા કાર્યક્રમમાં ૧૩.૫ લાખ શિલિંગનું ભંડોળ એકત્ર થયું હતું. આ ઉપરાંત મોમ્બાસાના કાર્યક્રમમાં ૧૭.૫ લાખ શિલિંગ મળ્યા હતા. આમ, કુલ ૩ કરોડ ૪૬ લાખ શિલિંગ એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે ₹૨,૬૦,૦૦,૦૦૦ ની એકત્ર થયેલી સમગ્ર રકમ જગદીશ ત્રિવેદીએ ત્યાંની સ્થાનિક આફ્રિકન પ્રજા માટે અર્પણ કરી દીધી હતી.

આ સેવાકીય ભંડોળમાંથી આફ્રિકન બાળકોની ૬ શાળાઓમાં પુસ્તકો, નોટબુક્સ, કંપાસ બોક્સ અને ઈતર પ્રવૃત્તિના સાહિત્યનું વિતરણ કરાશે. સાથોસાથ ૨૮૮ શાળાઓમાં રમતગમતના સાધનો તેમજ શાળાના બાળકોને ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ઘરડાંઘરમાં જરૂરી દવાઓ, ખુરશીઓ, વોકર, બ્લેન્કેટ, બેડિંગ અને વસ્ત્રોનું વિતરણ કરાશે તથા ગ્રામીણ ક્ષેત્રની આફ્રિકન દીકરીઓને સેનેટરી પેડ્સ પૂરા પાડવામાં આવશે.

છેલ્લા નવ વર્ષથી પોતાના દેશ અને વિદેશના તમામ કાર્યક્રમોની આવક આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરી દેતા જગદીશ ત્રિવેદીએ આ પ્રવાસ પહેલા એક શરત મૂકી હતી કે, કાર્યક્રમથી એકત્ર થતી તમામ ધનરાશિ સ્થાનિક આફ્રિકન પ્રજાના કલ્યાણ માટે જ વાપરવાની રહેશે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ નૈરોબી ટ્વીગાના ચેરપર્સન શ્રીમતી ચેતનાબહેન દેસાઈ અને તેમની ટીમે આ શરત સહર્ષ સ્વીકારી હતી. ભારતથી કોઈ કલાકાર આફ્રિકા જઈને પોતાના શો કરે અને તમામ કમાણી તે જ દેશની મૂળ પ્રજાના ઉત્થાન માટે સમર્પિત કરી, એક પણ રૂપિયો લીધા વિના પરત ફર્યા હોય તેવી આ પ્રથમ ઐતિહાસિક ઘટના બની છે.

(9:14 PM IST)