તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
‘ઈંધણ બચાવો, દેશ બચાવો’ના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાફલાનું કદ ઘટાડી પૂરું પાડ્યું ઉદાહરણ : SPG સુરક્ષા અકબંધ રાખી પેટ્રોલ-ડીઝલની બચત માટે મુખ્યમંત્રીઓ અને નાગરિકોને પણ મિતવ્યયિતા અપનાવવા કરી અપીલ
પશ્ચિમ એશિયા કટોકટી અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ગુજરાત-આસામ પ્રવાસમાં જોવા મળ્યો નાનો કાફલો; કાફલામાં EV સામેલ કરવા સૂચના, બિનજરૂરી વિમાની મુસાફરી ટાળવા અને વર્ચ્યુઅલ મીટિંગ વધારવા રાજ્યોને મોકલાયો ‘એક્શન પ્લાન’

નવી દિલ્હી, તા. 13 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક ઉર્જા કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતે પહેલ કરી પોતાના કાફલાનું કદ નોંધપાત્ર રીતે ઘટાડ્યું છે. ઈંધણ બચત અને મિતવ્યયિતાના સંદેશ સાથે PM મોદીએ તમામ મુખ્યમંત્રીઓને પણ આ પહેલને અનુસરવા અપીલ કરી છે.
શું છે નિર્ણય?
સૂત્રોના જણાવ્યા મુજબ હૈદરાબાદમાં રવિવારે કરેલી ‘આર્થિક સ્વ-સંરક્ષણ’ની અપીલ બાદ તરત જ વડાપ્રધાનના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી દેવામાં આવી હતી. તાજેતરના ગુજરાત અને આસામના પ્રવાસ દરમિયાન આ નાના કાફલાની વ્યવસ્થા અમલમાં જોવા મળી હતી. SPGની ફરજિયાત સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલ સંપૂર્ણ રીતે યથાવત રાખવામાં આવ્યા છે, માત્ર સહાયક વાહનોની સંખ્યામાં ઘટાડો કરાયો છે.
EVને પ્રાથમિકતા
વડાપ્રધાને અધિકારીઓને સૂચના આપી છે કે શક્ય હોય ત્યાં કાફલામાં ઈલેક્ટ્રિક વાહનોને સામેલ કરવામાં આવે, પરંતુ તેના માટે નવી ખરીદી ન કરાય. હાલ ઉપલબ્ધ સંસાધનોમાંથી જ EVનો ઉપયોગ કરવા ભાર મૂકવામાં આવ્યો છે.
રાજ્યોને પણ એક્શન પ્લાન
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના શપથવિધિ સમારોહમાં હાજર મુખ્યમંત્રીઓને PMO દ્વારા વડાપ્રધાનનું હૈદરાબાદનું ભાષણ અને ‘એક્શન પ્લાન’ની નકલો વહેંચવામાં આવી હતી. આ યોજનામાં ઈંધણ બચાવવા માટે વર્ચ્યુઅલ મીટિંગ વધારવી, સરકારી વાહનોનો ઉપયોગ તર્કસંગત બનાવવો, બિનજરૂરી મુસાફરી ટાળવી અને EVને પ્રોત્સાહન આપવા જેવા પગલાં સામેલ છે.
ગુજરાતના રાજ્યપાલે પણ લીધો નિર્ણય
વડાપ્રધાનની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ‘ગુજરાત લોક ભવન ઈનિશિયેટિવ’ હેઠળ હેલિકોપ્ટર અને વિમાની મુસાફરી બંધ કરી છે. તેઓ હવે રાજ્યમાં પ્રવાસ માટે ST બસ અને ટ્રેનનો ઉપયોગ કરશે. Z+ સુરક્ષા હોવા છતાં કાફલામાં માત્ર ન્યૂનતમ વાહનો રાખવાની સૂચના આપી છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં અઠવાડિયે એક દિવસ ‘કમ્બશન એન્જિન-ફ્રી ડે’ ઉજવવાનો નિર્દેશ પણ આપ્યો છે.
હૈદરાબાદમાં શું કહ્યું હતું PMએ?
વડાપ્રધાન મોદીએ નાગરિકોને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, મેટ્રો અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરવા, કારપૂલિંગ કરવા, વર્ક ફ્રોમ હોમ અપનાવવા અને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘દેશભક્તિ માત્ર સરહદ પર જીવ આપવાની જ નથી, રોજિંદા જીવનમાં જવાબદારીપૂર્વક વર્તવું પણ દેશભક્તિ છે.’
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ પોતાના કાફલામાંથી 10 વાહનો ઘટાડી 5 કર્યા છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીનો કાફલો 13થી ઘટાડી 8 વાહનોનો કરાયો છે. મહારાષ્ટ્રમાં મંત્રીઓએ સરકારી વિમાન વાપરતા પહેલા CMની મંજૂરી લેવી ફરજિયાત કરાઈ છે.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
