હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાળકોના ભરણપોષણની જવાબદારી માત્ર પિતાની જ નહીં: માતાનું આર્થિક યોગદાન પણ અનિવાર્ય
અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો માત્ર પિતા પર આર્થિક બોજ નાખી શકાય નહીં: જો માતા સક્ષમ કે વધુ આવક ધરાવતી હોય તો તે બાળકોના ઉછેર-ખર્ચમાંથી હાથ ખેંચી શકે નહીં

પ્રયાગરાજ, તા.૧: પરિવાર અને બાળકોના ઉછેરને લઈને અલ્લાહાબાદ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં ફરમાન કર્યું છે કે સગીર બાળકોના ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી માત્ર પિતા એકલાની જ નથી, પરંતુ બંને માતા-પિતાએ પોતાની આર્થિક સ્થિતિ અને આવક અનુસાર બાળકોના પાલન-પોષણમાં ફાળો આપવો જ પડશે. જો કોઈ કિસ્સામાં માતાની આવક સારી કે પિતા કરતાં વધારે હોય, તો તે બાળકોના ભરણપોષણમાં આર્થિક સહયોગ આપવાનો ઇનકાર કયારેય કરી શકે નહીં.
આ મામલો જૌનપુરના એક પરિવાર સાથે જોડાયેલો છે, જ્યાં અર્ચના રાવ અને તેના બે સગીર બાળકો દ્વારા ફેમિલી કોર્ટના એ આદેશને પડકારતી ફોજદારી સુધારણા અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં પિતાને બાળકોના ભરણપોષણ માટે દર મહિને માત્ર રૂ.૧,૫૦૦ ચૂકવવાનો હુકમ કરાયો હતો. આ અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ લક્ષ્મીકાંત શુક્લાની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ ૧૨૫ હેઠળ બાળકો માટે ભરણપોષણનો દાવો બંનેમાંથી કોઈપણ માતા-પિતા સામે થઈ શકે છે. કોર્ટે નોંધ્યું હતું કે માત્ર એ હકીકતથી બાળકોની એકમાત્ર નાણાકીય જવાબદારી બીજા પક્ષ પર નથી આવી જતી કે બાળકો કોઈ એક માતા કે પિતા સાથે રહે છે, પરંતુ બંનેની ચૂકવણી કરવાની ક્ષમતા ચકાસવી અનિવાર્ય છે.
સુનાવણી દરમિયાન પતિએ દલીલ કરી હતી કે તે જુનિયર હાઈસ્કૂલમાં પ્રશિક્ષક તરીકે કામ કરીને માંડ દર મહિને આશરે રૂ.૯,૦૦૦ કમાય છે અને તેની આવક પત્ની કરતા ઓછી છે. અદાલતે તમામ પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ કર્યું કે ભરણપોષણ નક્કી કરતી વખતે માતા-પિતાની સામાજિક-આર્થિક પરિસ્થિતિ અને તેમની વાસ્તવિક નાણાકીય ક્ષમતાને ધ્યાનમાં રાખવી હિતાવહ છે. કાનૂની દાયરામાં આ મહત્વપૂર્ણ ટિપ્પણી સાથે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી છે, જે ભરણપોષણના વિવાદોમાં કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવા માટે એક મોટો અને ન્યાયિક સીમાચિホરૂપ નિર્ણય સાબિત થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
