તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
રેસ્ટોરન્ટે રૂ.૪૦૧નો સર્વિસ ચાર્જ હટાવવાનો ઇનકાર કર્યોઃ ગ્રાહકના હક્કમાં ગ્રાહક પંચનો મહત્વપૂર્ણ ચુકાદો, હવે કુલ રૂ.૩૧,૪૦૧ ચૂકવવા આદેશ
સર્વિસ ચાર્જ ફરજિયાત વસૂલી શકાય નહીં: ગ્રાહકને માનસિક ત્રાસનું વળતર અને કેસનો ખર્ચ પણ ચૂકવવો પડશે

ગુરુગ્રામ, તા.૧૭: હરિયાણાના ગુરુગ્રામમાં માત્ર રૂ.૪૦૧નો સર્વિસ ચાર્જ હટાવવાનો ઇનકાર કરવો એક રેસ્ટોરન્ટને ભારે પડ્યો છે. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે રેસ્ટોરન્ટને મહિલા ગ્રાહકને કુલ રૂ.૩૧,૪૦૧ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય હોટેલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ વસૂલવાની પદ્ધતિ સામે મહત્વપૂર્ણ ગણાય છે.
૧૬ મે, ૨૦૨૬ના રોજ મહિલા પોતાના મિત્રો સાથે જમવા ગઈ હતી. રેસ્ટોરન્ટે રૂ.૪,૮૧૧ના બિલમાં ૧૦ ટકા લેખે રૂ.૪૦૧નો સર્વિસ ચાર્જ સામેલ કર્યો હતો. મહિલાએ આ રકમ દૂર કરવા વિનંતી કરી હતી, પરંતુ રેસ્ટોરન્ટે ઇનકાર કરતાં તેણે ગ્રાહક પંચનો દરવાજો ખખડાવ્યો હતો.
પંચે રૂ.૪૦૧ પરત આપવા ઉપરાંત માનસિક ત્રાસ અને અન્ય નુકસાન બદલ રૂ.૨૦,૦૦૦ તથા કાનૂની ખર્ચના રૂ. ૧૧,૦૦૦ ચૂકવવાનો આદેશ કર્યો છે. રેસ્ટોરન્ટે ૪૫ દિવસમાં રકમ ચૂકવવાની રહેશે, અન્યથા વાર્ષિક ૧૨ ટકા વ્યાજ લાગશે. ગ્રાહક સુરક્ષા નિયમો અનુસાર સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક છે, ફરજિયાત નહીં.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
