તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th November 2026
વર્ષ ૨૦૨૬ની યુએસ મિડટર્મ ચૂંટણીના પરિણામોથી ભારતને મળી શકે છે મોટો આર્થિક લાભ, ઘટતા ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી રોકાણથી બજારને મળશે મજબૂત ટેકો
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના અહેવાલ મુજબ, યુએસ કોંગ્રેસમાં ડેમોક્રેટિક પક્ષના નિયંત્રણથી વૈશ્વિક બોન્ડ યીલ્ડ નરમ થવાની અને ભારતીય બજારોમાં ફુગાવાનું દબાણ ઘટવાની છે પ્રબળ સંભાવના.

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૬ની યુએસ મિડટર્મ ચૂંટણીના પરિણામો બાદ બદલાતા વૈશ્વિક રોકાણ વાતાવરણને કારણે ભારત વિશ્વના અગ્રણી લાભાર્થીઓમાં સ્થાન મેળવી શકે છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના તાજેતરના અહેવાલ અનુસાર, નીચા ક્રૂડ ઓઈલના ભાવ, નરમ વૈશ્વિક બોન્ડ યીલ્ડ અને બહેતર વિદેશી રોકાણ પ્રવાહ ભારતીય અર્થવ્યવસ્થા અને બજારો માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નવેમ્બર ૨૦૨૬માં યોજાયેલી આ યુએસ મિડટર્મ ચૂંટણીઓમાં ડેમોક્રેટિક પક્ષે સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ બંને પર પોતાનું નિયંત્રણ મેળવી લીધું છે, જે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર માટે એક મોટો રાજકીય ફટકો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે યુએસ કોંગ્રેસમાં ડેમોક્રેટ્સની જીતને કારણે પ્રમુખના કાર્યકાળના બાકીના બે વર્ષ દરમિયાન વહીવટીતંત્ર પર કાયદાકીય અંકુશો વધી શકે છે, જે ભૌગોલિક રાજકીય તણાવ, ટેરિફ અને નાણાકીય પરિસ્થિતિઓ પ્રત્યે વધુ સંતુલિત અભિગમ અપનાવવાની તકો ઊભી કરી શકે છે.
ડેમોક્રેટ્સ દ્વારા એવું સંકેત આપવામાં આવ્યો છે કે આગામી જાન્યુઆરીમાં જ્યારે નવી કોંગ્રેસ પદ સંભાળશે ત્યારે મોંઘવારી, ઈરાન સાથેનો સંઘર્ષ અને ટેરિફ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનું કહેવું છે કે આ બદલાયેલું રાજકીય સમીકરણ ટૂંકા ગાળાના વૈશ્વિક આર્થિક દબાણોને હળવા કરી શકે છે, જોકે વર્તમાન અસ્થિરતા પહેલાની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે પાછી આવશે તેની કોઈ ખાતરી આપતું નથી.
વૈશ્વિક બજારો માટે સૌથી મોટો સંભવિત ફાયદો મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાથી ક્રૂડ ઓઈલના નીચા ભાવમાં જોવા મળી શકે છે. ક્રૂડના ભાવ ઘટવાથી વૈશ્વિક સ્તરે ફુગાવાનું દબાણ મધ્યમ બનશે અને વૈશ્વિક બોન્ડ યીલ્ડ પરનું દબાણ ઘટશે. અહેવાલમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારત ઊર્જા અને મૂડી બંનેનું મોટું આયાતકાર હોવાને કારણે આ પરિસ્થિતિનો મહત્તમ લાભ મેળવી શકે છે.
ઊંચા તેલના ભાવ, વધેલી યુએસ યીલ્ડ અને મજબૂત યુએસ ડૉલરે સંયુક્ત રીતે ઉભરતા બજારો માટે મુશ્કેલ વાતાવરણ ઊભું કર્યું હતું, જેની અસર ચલણ અને મૂડી પ્રવાહ પર પડી હતી. અહેવાલ મુજબ, ક્રૂડ અને યીલ્ડમાં નરમાઈનું વાતાવરણ ભારતની વેપાર ખાધમાં સુધારો કરશે, ડૉલરની માંગ ઘટાડશે અને રૂપિયા પરનું દબાણ હળવું કરશે. જો આની સાથે યુએસ બોન્ડ યીલ્ડ પણ નરમ રહે, તો તે ભારતીય બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ પ્રવાહ માટે ખૂબ જ અનુકૂળ વાતાવરણ પૂરું પાડી શકે છે.
(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
