તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ઓક્ટોબરમાં છૂટક ફુગાવો ૬.૦૯%ને પાર ! ખાદ્ય ચીજવસ્તુઓ-શાકભાજીના ભાવમાં ભડકો
દેશમાં મોંઘવારીએ તોડી RBI ની મર્યાદા : ખાદ્ય મોંઘવારી ૮.૯૪ ટકા થતાં ડુંગળી ૧૧૬.૨૨ ટકા અને લસણ ૬૦.૭૪ ટકા મોંઘા થયા છે, જ્યારે બટાકા ૧૪.૨૪ ટકા સસ્તા થયા છેઃ શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ ભારતમાં મોંઘવારીનો દર ૬.૬૩ ટકા સાથે વધુ નોંધાયો

નવી દિલ્હી,તા.૧૩: દેશની સામાન્ય જનતા પર ફરી એકવાર મોંઘવારીનો મોટો બોજ ઝીંકાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) એટલે કે છૂટક ફુગાવાના આંકડા અત્યંત ચોંકાવનારા સામે આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં દેશનો મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નક્કી કરવામાં આવેલી ૬ ટકાની ઉપલી મર્યાદાને વટાવીને ૬.૦૯ ટકાના સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે સામાન્ય પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
સરકારી આંકડાકીય માહિતી અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં છૂટક ફુગાવો ૫.૫૪ ટકા નોંધાયો હતો, જે ઓક્ટોબરમાં ઝડપથી વધીને ૬.૦૯ ટકા થઈ ગયો છે. મહત્વની બાબત એ છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોંઘવારી માટે ૨ ટકાથી ૬ ટકાની સહનશીલ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જે હવે તૂટી ગઈ છે. આ સતત ૧૨મો મહિનો છે જ્યારે દેશમાં છૂટક મોંઘવારી દરમાં સતત વધારો જોવા મળ્યો છે, જેનાથી આગામી સમયમાં લોનના વ્યાજદરો ઘટવાની આશાને પણ મોટો ઝટકો લાગ્યો છે.
મોંઘવારીના આ તીવ્ર ઉછાળા પાછળ સૌથી મોટું કારણ ખાવા-પીવાની ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ જવાબદાર છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત ખાદ્ય ફુગાવો સપ્ટેમ્બરના ૭.૭૪ ટકાથી વધીને ઓક્ટોબરમાં ૮.૯૪ ટકા પર પહોંચી ગયો છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન (MoSPI) ના રિપોર્ટ મુજબ, ઓક્ટોબરમાં ડુંગળીના ભાવમાં સૌથી વધુ ૧૧૬.૨૨ ટકાનો ઉછાળો નોંધાયો છે, જે સપ્ટેમ્બરમાં ૧૦૮.૧૩ ટકા હતો. આ ઉપરાંત લસણની મોંઘવારી ૫૪.૬૨ ટકાથી વધીને ૬૦.૭૪ ટકા થઈ છે, જ્યારે આદુના ભાવમાં ૪૮.૩૨ ટકા અને લીંબુની કિમતમાં ૪૭.૩૦ ટકાનો ભારે વધારો થયો છે.
એક તરફ ડુંગળી અને લસણે રસોડાનું બજેટ બગાડ્યું છે, ત્યારે બીજી તરફ અમુક શાકભાજીની કિમતોમાં ઘટાડો થતાં થોડી રાહત પણ મળી છે. ઓક્ટોબર મહિનામાં બટાકાના ભાવમાં ૧૪.૨૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેવી જ રીતે ફલાવરની કિમતોમાં ૧૦.૫૭ ટકા અને નાળિયેરના ભાવમાં ૫.૬૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે ગૃહિણીઓને થોડો આંશિક ટેકો મળ્યો છે.
સરકારી અહેવાલ સ્પષ્ટ દર્શાવે છે કે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ ભારતમાં મોંઘવારીની અસર વધુ ગંભીર રહી છે. ઓક્ટોબરમાં ગ્રામ્ય છૂટક ફુગાવો સપ્ટેમ્બરના ૬.૦૮ ટકાથી વધીને ૬.૬૩ ટકા થયો છે, જ્યારે શહેરી મોંઘવારી દર ૪.૮૮ ટકાથી વધીને ૫.૪૧ ટકા નોંધાયો છે. ખાદ્ય મોંઘવારી પણ ગ્રામીણ વિસ્તારોમાં ૯.૦૯ ટકા અને શહેરી વિસ્તારોમાં ૮.૬૮ ટકા રહી છે.
અન્ય ચીજવસ્તુઓની વાત કરીએ તો ઓક્ટોબર મહિનામાં ચાંદીના ઘરેણાંમાં પણ ૫૨.૩૯ ટકા જેટલો મોટો ભાવવધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીના આંકડાઓ પર નજર કરીએ તો અહીં ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર ૫.૨૪ ટકા અને શહેરી વિસ્તારોમાં ૩.૭૭ ટકા નોંધાયો છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
