<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

દુબઈ રિયલ એસ્ટેટ માર્કેટમાં 'રિવર્સ ગિયર': મહામારી પછીની ઐતિહાસિક તેજીને બ્રેક, મિલકતોના ભાવમાં ચાર વર્ષમાં પ્રથમવાર ઘટાડો

ભૂ-રાજકીય તણાવ અને પ્રાદેશિક સંઘર્ષની સીધી અસર: માર્ચ મહિનામાં વેચાણ મૂલ્યમાં 20% નું ગાબડું, રોકાણકારોમાં ફેલાયો ફફડાટ

દુબઈ, તા.23: વૈશ્વિક રોકાણકારો માટે 'હોટ ફેવરિટ' ગણાતા દુબઈના હાઉસિંગ માર્કેટમાં આખરે મંદીના વાદળો છવાયા છે. કોરોના મહામારી પછી સતત આસમાને પહોંચેલા મિલકતોના ભાવમાં 2020 પછી પ્રથમ વખત માર્ચ મહિનામાં 5.9% નો ઘટાડો નોંધાયો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ ફર્મ વેલ્યુસ્ટ્રેટના ડેટા મુજબ, આ ઘટાડો એ વાતનો સંકેત છે કે વૈશ્વિક અસ્થિરતા હવે મધ્ય પૂર્વના સૌથી સુરક્ષિત ગણાતા માર્કેટને પણ નડી રહી છે.

છેલ્લા ચાર વર્ષમાં દુબઈના પ્રોપર્ટીના ભાવમાં 70% કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ હાલમાં ચાલી રહેલા પ્રાદેશિક સંઘર્ષો અને મિસાઈલ હુમલાઓના કારણે વિદેશી મૂડીના પ્રવાહ પર અસર પડી છે. REIDIN ના વિશ્લેષણ મુજબ, માર્ચમાં રહેણાંક વેચાણનું કુલ મૂલ્ય પાછલા મહિનાના 37.2 અબજ દિરહામથી ઘટીને નોંધપાત્ર નીચે આવ્યું છે, જ્યારે વ્યવહારોની સંખ્યા પણ 16,000 થી ઘટીને 13,000 પર પહોંચી ગઈ છે.

રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, માત્ર યુદ્ધ જ નહીં પરંતુ તાજેતરમાં યુએઈમાં થયેલો ભારે વરસાદ અને ઈદની રજાઓને કારણે પણ બજારની ગતિ ધીમી પડી છે. જોકે, મોટા ડેવલપર્સ હજુ પણ આશાવાદી છે. એમાર પ્રોપર્ટીઝ અને ડેન્યુબ જેવા દિગ્ગજો માને છે કે આ એક ટૂંકા ગાળાની અસર છે. બજારમાં રોકાણકારોને આકર્ષવા માટે હવે ડેવલપર્સ ઓછી પ્રારંભિક ચુકવણી (ડાઉન પેમેન્ટ) અને અન્ય લલચામણી સ્કીમો ઓફર કરી રહ્યા છે.

 

 

(3:23 PM IST)