<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

વૈશ્વિક વિજ્ઞાન જગતમાં ક્રાંતિ: રિસર્ચ પેપર્સ માટે વિદેશી પ્રકાશકોને અબજો રૂપિયા ચૂકવવાનું દુનિયાએ બંધ કર્યું, શું ભારત પણ બદલશે પોતાની નીતિ?

અમેરિકા, યુરોપ અને ચીને કમર્શિયલ પબ્લિશર્સને આપ્યો મોટો ઝટકો; ભારતે પોતાના જ વૈજ્ઞાનિકોના સંશોધનો વાંચવા માટે ₹૬,૦૦૦ કરોડનું આંધણ કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: તા. ૨૩ જૂન, ૨૦૨૬:વૈશ્વિક સ્તરે શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સંશોધનોના પ્રકાશન (Scholarly Publishing) ના ક્ષેત્રમાં અત્યારે એક બહુ મોટી નીતિગત ક્રાંતિ ચાલી રહી છે. દુનિયાના શક્તિશાળી દેશો હવે વ્યાપારી અને ખાનગી પ્રકાશકોને કરોડો ડોલરની ચૂકવણી કરવાથી આગળ વધીને પોતાના સ્વાયત્ત પ્લેટફોર્મ ઊભા કરી રહ્યા છે. છેલ્લા ૧૮ મહિનામાં એટલે કે વર્ષ ૨૦૨૪ ના અંતથી લઈને ૨૦૨૬ ના મધ્ય સુધીમાં વૈશ્વિક સ્તરે આ મામલે અભૂતપૂર્વ નિર્ણયો લેવાયા છે, જેની વચ્ચે ભારતના કરોડો રૂપિયાના ખર્ચ સામે નિષ્ણાતોએ સવાલો ઉઠાવ્યા છે અને ભારતને પણ આ વૈશ્વિક પ્રવાહ સાથે જોડાઈને પોતાની નીતિ બદલવાની સલાહ આપી છે.

જો વૈશ્વિક ચિત્ર પર નજર કરીએ તો, યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) એ શૈક્ષણિક પ્રકાશન પાછળ થતા આર્થિક વ્યવહારોને કાયદાકીય તપાસ હેઠળ મૂક્યા છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાએ સરકારી ભંડોળથી થતા તમામ રિસર્ચ માટે 'ઓપન એક્સેસ' (મફત વાંચન) ફરજિયાત કરી દીધું છે. યુરોપિયન કમિશને તો લાંબા ગાળાના કાયમી ઉકેલ તરીકે વાણિજ્યિક પ્રકાશકોને સિસ્ટમમાંથી સંપૂર્ણપણે હટાવીને 'ઓપન રિસર્ચ યુરોપ' નામનું જાહેર માલિકીનું સરકારી પ્રકાશન પ્લેટફોર્મ જ શરૂ કરી દીધું છે. આ રેસમાં ચીન પણ પાછળ નથી, તેણે વિદેશી પ્રકાશકો પરની નિર્ભરતા તોડવા અને પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે એક મજબૂત સ્થાનિક પ્રકાશન ઇકોસિસ્ટમ તૈયાર કરી લીધી છે.

આ આખી વૈશ્વિક ક્રાંતિ વચ્ચે ભારતની સ્થિતિ ચિંતાજનક અને વિરોધાભાસી રહી છે. જ્યાં આખી દુનિયા ખાનગી પબ્લિશર્સને નાણાં ચૂકવવાનું બંધ કરી રહી છે, ત્યાં ભારતે આગામી ત્રણ વર્ષમાં જ્ઞાન અને સંશોધનોની એક્સેસ મેળવવા માટે આ જ વિદેશી પ્રકાશકોને ₹૬,૦૦૦ કરોડ ચૂકવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ફંડનો એક બહુ મોટો હિસ્સો ભારતના પોતાના જ વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા રાત-દિવસ એક કરીને દેશમાં તૈયાર કરાયેલા સંશોધન પત્રોને ફરીથી ખરીદવા પાછળ ખર્ચાઈ રહ્યો છે. ભારતીય નીતિ નિર્ધારકો હવે જાગે અને વૈશ્વિક મોડલ અપનાવીને આ અબજો રૂપિયાનો ધુમાડો થતો અટકાવે તે સમયની માંગ છે.

(4:35 PM IST)