તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત જમીન વ્યવસ્થાપનમાં ક્રાંતિકારી ફેરફાર: દરેક પ્લોટને મળશે ૧૪-અંકનો ખાસ 'જમીન નંબર' (ULPIN), રજિસ્ટ્રી અને કોર્ટ કેસ પણ થશે ડિજિટલી લિંક!
રૂ. ૫૬૫.૫૦ કરોડના બજેટ સાથે 'ભૂ-આધાર' પ્રોજેક્ટનો પ્રારંભ; જમીન ખરીદ-વેચાણમાં છેતરપિંડી અને સીમા વિવાદો અટકશે, ખેડૂતો માટે બેંક લોન મેળવવી બનશે અત્યંત સરળ.

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં જમીનના રેકોર્ડને સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શક બનાવવા માટે એક મહત્ત્વકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી છે. 'ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ' હેઠળ હવે દરેક જમીન, પ્લોટ કે ખેતરને એક વિશિષ્ટ ૧૪-અંકનો યુનિવર્સલ લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN) એટલે કે 'જમીન આધાર' ફાળવવામાં આવશે. રૂ. ૫૬૫.૫૦ કરોડની જોગવાઈ સાથે શરૂ કરાયેલી આ સિસ્ટમથી ગામડાઓથી લઈને શહેરો સુધીની તમામ મિલકતોના રેકોર્ડ ડિજિટલી એકત્રિત થશે.
ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી માર્ગદર્શિકા જાહેર કરતા જણાવ્યું હતું કે, આ નવી પ્રણાલીથી જમીનનો નકશો, માલિકીની વિગતો, જૂની રજિસ્ટ્રી, બેંક લોન અને કોર્ટ કેસની માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. અત્યાર સુધી ખરીદદારો કે ખેડૂતોને જમીનની સચોટ માહિતી મેળવવા માટે અલગ-અલગ સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડતા હતા, પરંતુ હવે ૧૪-અંકના આ આઈડી નંબર દ્વારા જમીનનો ઈતિહાસ અને વર્તમાન સ્થિતિ સરળતાથી ચકાસી શકાશે. આનાથી ખેડૂતોને સંસ્થાકીય ધિરાણ મેળવવામાં પણ મોટી સુવિધા મળશે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ડિજિટલ નંબર એ જમીનની માલિકીનું સીધું પ્રમાણપત્ર નથી, પરંતુ તે માલિકી સંબંધિત તમામ કાગળો અને ભૌગોલિક સ્થિતિને એકસાથે સાંકળતી એક મજબૂત વ્યવસ્થા છે. પ્લોટના વાસ્તવિક સ્થાન અને સીમાઓ નક્કી થવાથી ખોટા દસ્તાવેજો બનાવીને થતી છેતરપિંડી કે જમીન પચાવી પાડવાના કિસ્સાઓ અટકશે. આ ઉપરાંત, મહેસૂલી અને અદાલતી કેસોને પણ આ સિસ્ટમ સાથે જોડવામાં આવશે, જેથી મહેસૂલ અદાલતો પેપરલેસ બનશે અને પૂર્વજોની જમીનના જૂના દસ્તાવેજો ખોવાઈ જવાનો ડર રહેશે નહીં.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
