તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
વરિષ્ઠ નાગરિકોના અધિકારો અને વૃદ્ધાશ્રમોની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ: તમામ રાજ્યો પાસેથી તાકીદનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
વૃદ્ધોની સંભાળ એ માત્ર વહીવટી ઔપચારિકતા નથી પરંતુ માનવ અધિકાર છે": ડૉ. અશ્વિની કુમારની પીઆઈએલ પર સર્વોચ્ચ અદાલતનો મોટો આદેશ

નવી દિલ્હી: દેશના વરિષ્ઠ નાગરિકોને ગૌરવપૂર્ણ અને સુરક્ષિત જીવન પૂરું પાડવાના હેતુથી સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ કદમ ઉઠાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યોને નોટિસ ફટકારીને પોતપોતાના રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની વર્તમાન સ્થિતિ, નવા વૃદ્ધાશ્રમોના નિર્માણ તેમજ ત્યાં વૃદ્ધોને આપવામાં આવતી મૂળભૂત સુવિધાઓ અંગે વિગતવાર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.
આ સમગ્ર મામલે વર્ષ ૨૦૧૬માં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. અશ્વિની કુમાર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં દેશના દરેક જિલ્લામાં વૃદ્ધાશ્રમની સ્થાપના, પર્યાપ્ત પેન્શન યોજના અને આરોગ્ય-તબીબી સેવાઓમાં સુધારાની માંગ કરાઈ હતી.
સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની ખંડપીઠે આ મામલાની ગંભીરતા નોંધતા નીચે મુજબના મુખ્ય નિર્દેશો આપ્યા છે: એટર્ની જનરલ આર. વેંકટરામણીને તમામ રાજ્યોના એડવોકેટ જનરલ્સ સાથે ઔપચારિક સંપર્ક સાધી માહિતી એકત્રિત કરવા નિર્દેશ અપાયો છે.માહિતી પ્રાપ્ત થયાના ચાર અઠવાડિયાની અંદર તમામ રાજ્યોએ પોતપોતાના પ્રગતિ અહેવાલો સર્વોચ્ચ અદાલતમાં સબમિટ કરવાના રહેશે.કેન્દ્ર સરકારે આ મામલો સંબંધિત હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે પહેલા સમગ્ર દેશની જમીની વાસ્તવિકતા તપાસવાનું યોગ્ય માન્યું હતું. કોર્ટે પોતાના અગાઉના નિર્દેશો યાદ અપાવતા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) અને હેલ્પએજ ઈન્ડિયા જેવી સંસ્થાઓ દ્વારા વૃદ્ધોને કાનૂની સહાય અને રક્ષણ આપવાની કામગીરીને બિરદાવી હતી.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
