News of Monday, 23rd November 2026
વધતા તાપમાન અને ક્લાઇમેટ ચેન્જ સામે લડાઈમાં વિશ્વ વામળું :COP31 સમિટ કોઈ વૈશ્વિક સમજૂતી વિના જ પૂરી થઈ
સમિટ બે દિવસ વધુ ચાલી છતાં દેશો વચ્ચે સહમતી બની શકી નહોતી: વર્ષ 2009 પછી પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક ક્લાઇમેટ સમિટ કોઈ સમજૂતી વિના પૂરી:સંમેલન સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ઇતિહાસનું સૌથી લાંબું સંમેલન પણ બન્યું

નવી દિલ્હી :વિશ્વભરમાં વધતા તાપમાન અને ક્લાઇમેટ ચેન્જના પડકારો વચ્ચે યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની COP31 સમિટ કોઈ વૈશ્વિક સમજૂતી વિના જ પૂરી થઈ છે. તુર્કીના અંતાલ્યામાં યોજાયેલી આ સમિટમાં યુરોપિયન યુનિયન, પનામા અને નાના ટાપુ દેશોએ અંતિમ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. અશ્મિભૂત ઇંધણ એટલે કે કોલસા, તેલ અને ગેસનો ઉપયોગ ઘટાડવા અંગે સ્પષ્ટ પ્રતિબદ્ધતાનો અભાવ આ મતભેદનું મુખ્ય કારણ બન્યો હતો.
20 નવેમ્બરે પૂર્ણ થવાની આ સમિટ બે દિવસ વધુ ચાલી હતી. આમ છતાં દેશો વચ્ચે સહમતી બની શકી નહોતી. વર્ષ 2009 પછી પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક ક્લાઇમેટ સમિટ કોઈ સમજૂતી વિના પૂરી થઈ છે. આ સાથે જ આ સંમેલન સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ઇતિહાસનું સૌથી લાંબું સંમેલન પણ બન્યું છે.
સમિટના પ્રથમ ડ્રાફ્ટમાં ઊર્જા ક્ષેત્રમાંથી અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ તાત્કાલિક ઘટાડવાની વાત કરવામાં આવી હતી. જોકે, તેલ ઉત્પાદક દેશોના વિરોધ બાદ અંતિમ પ્રસ્તાવમાંથી અશ્મિભૂત ઇંધણનો સ્પષ્ટ ઉલ્લેખ હટાવી દેવામાં આવ્યો હતો. તેના બદલે ઓછા ઉત્સર્જન અને ક્લાઇમેટ રેઝિલિયન્સ તરફ વૈશ્વિક પરિવર્તનની વાત કરવામાં આવી હતી. યુરોપિયન યુનિયન, બ્રિટન, નોર્વે, પનામા અને નાના ટાપુ દેશોએ આ પ્રસ્તાવને નબળો ગણાવી નકારી કાઢ્યો હતો. બીજી તરફ, સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના દેશો અને રશિયાએ અશ્મિભૂત ઇંધણ અંગે સ્પષ્ટ ભાષાનો વિરોધ કર્યો હતો.
વિકાસશીલ દેશોને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે કેટલી નાણાકીય સહાય મળશે તે મુદ્દે પણ સહમતી બની નહોતી. ડ્રાફ્ટમાં 2030 સુધી વિકાસશીલ દેશોની જરૂરિયાત 5.1થી 6.8 ટ્રિલિયન ડોલર દર્શાવવામાં આવી હતી, પરંતુ નવી નાણાકીય પ્રતિબદ્ધતા જાહેર થઈ નહોતી. કાર્બન કેપ્ચર ટેક્નોલોજી પર વધુ ભાર મૂકવા સામે પણ યુરોપિયન યુનિયને વાંધો ઉઠાવ્યો હતો. ભારત તરફથી પર્યાવરણ મંત્રાલયના અધિક સચિવ અમનદીપ ગર્ગે જણાવ્યું હતું કે ક્લાઇમેટ એક્શનનો અમલ સમાનતા અને વિકસિત દેશોની સહાયના સિદ્ધાંતો પર આધારિત હોવો જોઈએ.
મુખ્ય સમજૂતી નિષ્ફળ રહી હોવા છતાં જસ્ટ ટ્રાન્ઝિશન, એડેપ્ટેશન ફંડ અને ગ્લોબલ ગોલ ઓન એડેપ્ટેશન સહિતના કેટલાક મુદ્દાઓ પર અલગથી નિર્ણય લેવાયા હતા. હવે બાકી રહેલા મુદ્દાઓ પર જૂન 2027માં બોન ખાતે ચર્ચા થશે. ત્યારબાદ નવેમ્બર 2027માં ઇથિયોપિયાના અદિસ અબાબામાં COP32 યોજાશે. ક્લાઇમેટ ચેન્જ સામે વૈશ્વિક સહમતી બનાવવાનો પડકાર હવે આગામી સમિટ સામે રહેશે.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
