તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
અમેરિકા-ઈરાન યુદ્ધના આરે: ટ્રમ્પના ૯૬ કલાકના અલ્ટીમેટમ વચ્ચે પેન્ટાગોન આક્રમક મૂડમાં
પરમાણુ સુવિધાઓ અને ઉર્જા માળખા પર સંભવિત હુમલાની તૈયારી: ઈરાન અને હુથીઓની પલટવારની ધમકી તેમજ હોર્મુઝમાં વધતા તણાવને કારણે વ્હાઇટ હાઉસ ચિંતિત

વાશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ગમે ત્યારે પૂર્ણ-સ્તરના ભીષણ યુદ્ધની શરૂઆત થઈ શકે છે. અહેવાલ મુજબ, ટ્રમ્પનો આદેશ મળ્યાના માત્ર ૯૬ કલાકની અંદર અમેરિકન સૈન્ય ઈરાન સામે વિનાશક લશ્કરી કાર્યવાહી શરૂ કરવા માટે મધ્ય પૂર્વમાં સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ અને પેન્ટાગોને ઈરાનના માત્ર લશ્કરી થાણાઓ જ નહીં, પરંતુ તેના મહત્વપૂર્ણ ઉર્જા માળખા, મિસાઈલ લોન્ચર્સ અને ગુપ્ત પરમાણુ સુવિધાઓને ધ્વસ્ત કરવા માટે લક્ષ્યોની એક લાંબી યાદી તૈયાર કરી લીધી છે. જોકે, ટ્રમ્પે હજુ સુધી આ અંગે કોઈ અંતિમ મહોર મારી નથી, જેના કારણે સમગ્ર દુનિયાની નજર અમેરિકાના આગામી પગલા પર ટકેલી છે.
આ ભયાનક યુદ્ધના પગલાં વચ્ચે અમેરિકા સામે કેટલાક ગંભીર અને મોટા પડકારો પણ મોં ફાડીને ઉભા છે. યુએસ સૈન્ય અધિકારીઓના મતે, ઈરાની સેના હવે અમેરિકાની લશ્કરી વ્યૂહરચના અને હુમલાની પદ્ધતિઓથી સારી રીતે વાકેફ થઈ ચૂકી છે, જેથી તમામ લક્ષ્યોને એકસામટી પાર પાડવા સરળ નથી. આ ઉપરાંત, અમેરિકી ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે જો અમેરિકા અથવા ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવશે, તો તેહરાન અને તેના સહયોગી હુથી બળવાખોરો બેફામ બનીને પ્રદેશમાં રહેલા અમેરિકન સૈનિકો, સૈન્ય મથકો અને ગલ્ફ દેશોની આર્થિક જીવનરેખાઓ તેમજ તેલ સુવિધાઓને નિશાન બનાવીને ભયંકર બદલો લઈ શકે છે. આ જ ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાના સંરક્ષણ પ્રધાન ખુદ યુદ્ધ ટાળવા અને મામલો થાળે પાડવા માટે ઈરાન પહોંચ્યા હતા.
બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટ જેવા અત્યંત સંવેદનશીલ દરિયાઈ માર્ગ પર પણ તણાવ વધી રહ્યો છે, જ્યાં યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડાએ જાતે સ્થિતિની સમીક્ષા કરી છે. ઈરાન દ્વારા દરિયાઈ માર્ગે નાખવામાં આવેલી ખાણોને હટાવવાની કામગીરી ચાલી રહી છે અને વૈશ્વિક સ્તરે તેલના ભાવ પણ ઊંચા સ્તરે અસ્થિર બન્યા છે. આ તમામ જોખમોને જોતા, ભલે અમેરિકા પાસે ૯૬ કલાકમાં હુમલો કરવાની ક્ષમતા હોય, પરંતુ તેનાથી ફાટી નીકળનારી આર્થિક અને લશ્કરી અસ્થિરતાના ડરથી વ્હાઇટ હાઉસ અત્યારે ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહ્યું છે.
(10:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
