તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Sunday, 3rd May 2026
અમેરિકા-ઈરાન વચ્ચે વધતી તંગદિલી : રિવોલ્યુશનરી ગાર્ડ્સે ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવ્યા - 'અશક્ય સૈન્ય ઓપરેશન અથવા ખરાબ સોદા વચ્ચે પસંદગી કરો'
ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને મોકલી 14 મુદ્દાની શાંતિ દરખાસ્ત : ટ્રમ્પે દરખાસ્તની સમીક્ષા કરવાની ખાતરી આપી છતાં હુમલાની ધમકી ઉચ્ચારી સંદેહ વ્યક્ત કર્યો

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત નાજુક તબક્કા પર પહોંચી ગયા છે. ઈરાનના શક્તિશાળી સૈન્ય સંગઠન 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ રવિવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ગાર્ડ્સે જણાવ્યું છે કે ટ્રમ્પે હવે કાં તો ઈરાન પર 'અશક્ય' એવું સૈન્ય ઓપરેશન કરવું પડશે અથવા ઇસ્લામિક રિપબ્લિક સાથે 'ખરાબ સોદો' સ્વીકારવો પડશે. આ નિવેદન ટ્રમ્પ દ્વારા ફરી એકવાર ઈરાન પર સંભવિત હુમલાની ધમકી ઉચ્ચાર્યાના એક દિવસ બાદ આવ્યું છે.
શાંતિ મંત્રણા ખોરંભે પડી
ગત 8 એપ્રિલથી બંને દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ અમલમાં આવ્યો હોવા છતાં શાંતિ વાટાઘાટો સ્થગિત જોવા મળી રહી છે. IRGC ની ઇન્ટેલિજન્સ સંસ્થાએ સરકારી ટેલિવિઝન દ્વારા જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ચીન, રશિયા અને યુરોપના વલણમાં વોશિંગ્ટન પ્રત્યે થયેલો ફેરફાર અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા નૌકાદળના બ્લોકેડ અંગે ઈરાને આપેલી 'ડેડલાઇન' ટ્રમ્પ માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.
ઈરાનની 14 મુદ્દાની શાંતિ દરખાસ્ત
મધ્યસ્થી પાકિસ્તાન દ્વારા ઈરાને અમેરિકાને એક 14 મુદ્દાની દરખાસ્ત સુપરત કરી હોવાના અહેવાલ છે. આ દરખાસ્તમાં તમામ મોરચે સંઘર્ષનો અંત લાવવા અને વ્યૂહાત્મક રીતે મહત્વની એવી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માટે નવા માળખાને લાગુ કરવાનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું છે કે તેમને ઈરાન તરફથી નવી યોજના મળી છે અને તેઓ ટૂંક સમયમાં તેની સમીક્ષા કરશે.
ટ્રમ્પનો આકરો પ્રહાર
જોકે, શાંતિ દરખાસ્ત મળવા છતાં ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ઈરાન સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે, "હું ઈરાન દ્વારા મોકલવામાં આવેલી યોજનાની સમીક્ષા કરીશ, પરંતુ મને નથી લાગતું કે તે સ્વીકાર્ય હોય. ઈરાને છેલ્લા 47 વર્ષોમાં માનવતા અને વિશ્વને જે નુકસાન પહોંચાડ્યું છે તેની તેમણે હજુ પૂરતી કિંમત ચૂકવી નથી." ટ્રમ્પના આ વલણથી શાંતિની શક્યતાઓ પર હાલ પૂરતી શંકાના વાદળો છવાયેલા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચેની આ ખેંચતાણથી વૈશ્વિક સ્તરે ફરી એકવાર યુદ્ધનો ભય ઉભો થયો છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર ટ્રમ્પ ઈરાનની આ દરખાસ્ત પર શું અંતિમ નિર્ણય લે છે તેના પર ટકેલી છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
