<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

મધ્ય-પૂર્વમાં વધતો તણાવ: અમેરિકા પોતાની આક્રમક નીતિઓ નહીં બદલે અને સૈન્ય પીછેહઠ નહીં કરે ત્યાં સુધી હોર્મુઝની સામુદ્રધુનીનો દરિયાઈ માર્ગ ચાલુ નહીં કરવાનો ઈરાનનો સ્પષ્ટ ઈનકાર

​અમેરિકન નૌકાદળ દ્વારા લાદવામાં આવેલી ઘેરાબંધી હટાવવા, યુદ્ધના નુકસાનનું વળતર ચૂકવવા અને પ્રદેશમાંથી પાબંદીઓ નાબૂદ કરવા સહિતની આકરી શરતો સ્વીકારાયા બાદ જ દરિયાઈ વાહનવ્યવહાર પૂર્વવત્ કરવાની ઈરાની સિક્યોરિટી કાઉન્સિલની ચેતવણી

​તેહરાન / આંતરરાષ્ટ્રીય ડેસ્ક:મધ્ય-પૂર્વના વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા હોર્મુઝ જળમાર્ગ પર ચાલી રહેલી મડાગાંઠ વચ્ચે ઈરાને પોતાનું વલણ આક્રમક બનાવ્યું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા અમેરિકાને સીધો નિર્દેશ આપતાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી વોશિંગ્ટન પોતાની વર્તમાન નીતિઓ, આક્રમક વલણ અને વર્તનમાં બુનિયાદી સુધાર નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ચાલુ કરવામાં આવશે નહીં.

​આંતરરાષ્ટ્રીય સ્તરે હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખુલ્લી કરવા માટે ચાલતી મંત્રણાઓ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે ત્યારે ઈરાને અમેરિકા સામે શરતોનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. ઈરાનના સુરક્ષા વડા તેમજ રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર મોહમ્મદ બાઘર ઝોલકાદરે ઈરાની વલણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે અમેરિકાએ ઈરાનને સતત ધમકીઓ આપવાનો સિલસિલો તુરંત બંધ કરવો પડશે. આ સાથે જ ઈરાન અને તેના ક્ષેત્રીય સાથીઓ સામે ચલાવવામાં આવી રહેલા સૈન્ય સંઘર્ષનો કાયમી અને સંપૂર્ણ અંત લાવવો જરૂરી છે.

​અમેરિકા સામે ઈરાને મૂકેલી આકરી શરતો:

ઈરાન દ્વારા મુકવામાં આવેલી માગણીઓ માત્ર હંગામી યુદ્ધવિરામ કે સમજૂતી પૂરતી મર્યાદિત નથી. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં અમેરિકા સમક્ષ નીચે મુજબની શરતો રજૂ કરી છે:

​નૌકાદળ પ્રતિબંધોની નાબૂદી: ઈરાની બંદરો પર અમેરિકન નૌકાદળ દ્વારા લગાવવામાં આવેલી ઘેરાબંધી અને તમામ પ્રકારના કડક પ્રતિબંધો તુરંત દૂર કરવામાં આવે.
​સૈન્ય હાજરીમાં ઘટાડો: સમગ્ર મધ્ય-પૂર્વ પ્રદેશમાંથી અમેરિકા પોતાના સૈન્ય બળ અને યુદ્ધ જહાજોની હાજરીમાં નોંધપાત્ર ઘટાડો કરે.
​યુદ્ધ વળતરની ચૂકવણી: ચાલી રહેલા સંઘર્ષના કારણે ઈરાનને થયેલા આર્થિક તથા ભૌતિક નુકસાનનું આકરૂં યુદ્ધ-વળતર ચૂકવવામાં આવે.
​ઈરાન પ્રશાસને ચીમકી આપી છે કે આ તમામ શરતોનું પાલન ન થાય ત્યાં સુધી આ મહત્વપૂર્ણ વૈશ્વિક વેપાર માર્ગ પરથી કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

(11:29 AM IST)