તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 20th April 2026
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધતા તણાવથી ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો : પ્રતિ બેરલ 96 ડોલરે પહોંચ્યા :ભારતમાં પેટ્રોલના ભાવ વધવા ભીતિ
ભારત સહિતના એશિયાઈ દેશોમાં ઈંધણના ભાવમાં તોતિંગ વધારો થવાની અને મોંઘવારી બેકાબૂ બનવાની આશંકા

નવી દિલ્હી :વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 96 ડોલરની સપાટી વટાવી જતાં વિશ્વભરના બજારોમાં ગભરાટ ફેલાયો છે. ઈરાન સાથેના વધતા સંઘર્ષના કારણે જો આ જળમાર્ગ બંધ થાય, તો ભારત સહિતના એશિયાઈ દેશોમાં ઈંધણના ભાવમાં તોતિંગ વધારો થવાની અને મોંઘવારી બેકાબૂ બનવાની આશંકા સેવાઈ રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી વ્યસ્ત તેલ માર્ગ છે, જ્યાંથી વિશ્વના કુલ તેલ વપરાશનો આશરે પાંચમો ભાગ પસાર થાય છે. ઈરાન અને અન્ય પશ્ચિમી દેશો વચ્ચેના તણાવને કારણે આ માર્ગ પર જોખમ ઊભું થયું છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ માર્ગ પર માલવાહક જહાજોની અવરજવર ખોરવાય, તો તેલ પુરવઠામાં મોટી ખાધ સર્જાઈ શકે છે, જેની સીધી અસર ક્રૂડના ભાવ પર જોવા મળી રહી છે.
ભારત તેની જરૂરિયાતનું 80% થી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરે છે. બ્રેન્ટ ક્રૂડમાં થયેલો આ ઉછાળો ભારતીય તેલ કંપનીઓ પર દબાણ વધારી રહ્યો છે. પાડોશી દેશોમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવાની તૈયારીમાં છે. જો ક્રૂડના ભાવ લાંબો સમય $90 ની ઉપર રહેશે, તો સામાન્ય જનતા પર પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાનો ઝટકો આવી શકે છે, જેનાથી પરિવહન ખર્ચ વધશે અને અંતે જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થશે.
વૈશ્વિક શેરબજારો પર પણ તેલની તેજીનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. ક્રૂડના ભાવ વધતા મોંઘવારી વધવાનો ડર રોકાણકારોને સતાવી રહ્યો છે, જેના કારણે વોલ સ્ટ્રીટથી લઈને દલાલ સ્ટ્રીટ સુધી વેચવાલીનો માહોલ છે. ખાસ કરીને એવિએશન, પેઈન્ટ્સ અને લોજિસ્ટિક્સ સેક્ટરના શેરોમાં મોટો કડાકો જોવા મળ્યો છે. અર્થતંત્ર પર મંદીના વાદળો ઘેરાતા રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે.
હાલ પૂરતું તમામની નજર ઈરાન અને વૈશ્વિક શક્તિઓના રાજદ્વારી નિર્ણયો પર ટકેલી છે. જો તણાવ ઓછો નહીં થાય તો ક્રૂડ ઓઈલ $100 ની ઐતિહાસિક સપાટી પણ વટાવી શકે છે. વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ માટે આ 'ઉપરથી પડ્યા પર પાટું' જેવી સ્થિતિ સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં તેલ ઉત્પાદક દેશોની ભૂમિકા પણ ક્રૂડના ભાવ નક્કી કરવામાં મહત્વની રહેશે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
