News of Wednesday, 25th November 2026
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ માટે બેંગલુરુમાં રોડ-શો યોજાયો, ઔદ્યોગિક સહયોગ પર ભાર
સેમિકન્ડક્ટર, સ્પેસ સેક્ટર, ઇલેક્ટ્રોનિક્સ અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભાગીદારીની તકો પર ખાસ ધ્યાન, ગાંધીનગર સમિટ માટે આમંત્રણ

બેંગલુરુ, તા.૨૫: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ૨૦૨૭ અંતર્ગત બેંગલુરુ ખાતે યોજાયેલા રોડ-શોમાં ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ અને રોકાણની તકો કેન્દ્રસ્થાને રહી હતી, જ્યાં અગ્રણી ઉદ્યોગપતિઓ તથા સરકારી પ્રતિનિધિઓએ ટેક્નોલોજી ભાગીદારી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત અને કર્ણાટક વચ્ચે ઔદ્યોગિક જોડાણને મજબૂત બનાવી નવી વ્યવસાયિક તકો ઊભી કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
રોડ-શો દરમિયાન વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડૉ. વિનોદ રાવે VGGS ૨૦૨૭ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરીને ટેક્સટાઇલ સેક્ટર, રિન્યુએબલ એનર્જી, ૨૪*૭ પાવર સપ્લાય, પોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે કનેક્ટિવિટી અને ધોલેરા SIRની વિશેષતાઓ રજૂ કરી હતી. આ સાથે ગુજરાતની સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ દર્શાવતી શોર્ટ ફિલ્મ પણ પ્રદર્શિત કરાઈ હતી અને ઉદ્યોગ પ્રતિનિધિઓએ રાજ્યમાં પોતાના વ્યવસાયિક અનુભવો શેર કર્યા હતા.
સેમિનારને સંબોધતા ગુજરાત સરકારના રાજ્ય મંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ બંને રાજ્યોના ઔદ્યોગિક સહકારની સંભાવનાઓ અંગે જણાવ્યું હતું કે, “કર્ણાટકએ IT, સંશોધન, સર્વિસ, સ્પેસ, AI, ડેટા સેન્ટર ક્ષેત્રે અગ્રણી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ બનાવી છે, જ્યારે ગુજરાત કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જવેલરી, ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરો, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી અને ગ્લોબલ કનેક્ટિવિટી ક્ષેત્રે પોતાની મજબૂત ક્ષમતાઓ ધરાવે છે.” તેમણે ઉમેર્યું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત કામ કરી રહ્યું છે.”
ચર્ચા દરમિયાન ભારતના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં ૧૭% અને માલસામાન નિકાસમાં ૨૫% યોગદાન આપતા ગુજરાતની સેમિકન્ડક્ટર, અદ્યતન મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ ક્ષમતાને કર્ણાટકની IT, સંશોધન, સ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ અને ડેટા સેન્ટર ઇકોસિસ્ટમ સાથે જોડવાની તકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ સંકલન દ્વારા નવીનતા, રોજગારી અને સહિયારી સમૃદ્ધિ માટે નવા માર્ગો ખુલવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, આગામી ૧૧મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૧૦ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૭ દરમિયાન ગાંધીનગર ખાતે “વિકસિત ગુજરાત - શેપિંગ ગ્લોબલ ફ્યુચર” થીમ હેઠળ યોજાનાર છે. બેંગલુરુનો આ રોડ-શો સમિટ પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે બંને રાજ્યો વચ્ચેના ઔદ્યોગિક સંબંધોને વ્યવહારિક સહયોગ તરફ લઈ જવાનું માધ્યમ બન્યો છે.
હાલમાં VGGS ૨૦૨૭ની તૈયારીઓ ગતિમાં છે અને કર્ણાટકના સાહસો, સ્ટાર્ટઅપ્સ તથા ઔદ્યોગિક સંસ્થાઓને ગાંધીનગર આવવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી સમયમાં આંતર-રાજ્ય મૂલ્ય શૃંખલા અને ભાગીદારી દ્વારા ઔદ્યોગિક વિકાસની નવી દિશા નક્કી થાય તેવી અપેક્ષા છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
