News of Wednesday, 22nd April 2026
કતારના આકાશમાં ફરી ગુંજશે વિદેશી વિમાનોનો ગડગડાટ: મધ્ય પૂર્વ યુદ્ધના વિરામ બાદ ફ્લાઇટ્સ ‘ક્રમશઃ ફરી શરૂ’ કરવાની જાહેરાત
હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિદેશી એરલાઇન્સના ઉતરાણને મળી લીલી ઝંડી: સુરક્ષાનું વ્યાપક મૂલ્યાંકન કર્યા બાદ નાગરિક ઉડ્ડયન સત્તાવાળાનો મોટો નિર્ણય, પ્રવાસીઓને મળશે મોટી રાહત

દોહા, તા.૨૨: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. કતારના ઉડ્ડયન સત્તાવાળાએ સોમવારે સત્તાવાર જાહેરાત કરી છે કે, યુદ્ધની શરૂઆત પછી પ્રથમવાર વિદેશી એરલાઇન્સની ફ્લાઇટ્સને તેના મુખ્ય એરપોર્ટ પર ઉતરાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. કતાર નાગરિક ઉડ્ડયન સત્તાવાળાએ આ અંગે ‘એરમેન’ (NOTAM) ને નોટિસ જારી કરીને હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કામગીરી ધીમે ધીમે શરૂ કરવાની જાણ કરી છે.
યુદ્ધવિરામ બાદ લેવાયો નિર્ણય
આ મહત્વનો નિર્ણય ૮ એપ્રિલના રોજ વોશિંગ્ટન અને તેહરાન દ્વારા જાહેર કરવામાં આવેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ લેવામાં આવ્યો છે. ૨૮ ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ સાથે શરૂ થયેલા આ સંઘર્ષને કારણે સમગ્ર ખાડી વિસ્તારમાં હવાઈ અવરજવર ખોરવાઈ ગઈ હતી. યુદ્ધવિરામને કારણે હવે સ્થિતિ ધીમે-ધીમે થાળે પડી રહી હોય તેમ જણાય છે.
શા માટે બંધ કરાયું હતું હવાઈ ક્ષેત્ર?
ઈરાન દ્વારા ખાડી દેશો સામે શરૂ કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ અભિયાનને ધ્યાનમાં રાખીને કતારએ સુરક્ષાના કારણોસર તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. જોકે, ૭ માર્ચથી મર્યાદિત ટ્રાફિક માટે તેને આંશિક રીતે ખોલવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી માત્ર રાષ્ટ્રીય વાહક ‘કતાર એરવેઝ’ ના વિમાનોને જ ઉડાન ભરવાની છૂટ હતી. હવે વિદેશી એરલાઇન્સ માટે પણ દ્વાર ખુલતા કનેક્ટિવિટીમાં વધારો થશે.
સુરક્ષા હજુ પણ ટોચની પ્રાથમિકતા
કતારી ઉડ્ડયન સત્તાવાળાએ સ્પષ્ટ કર્યું છે કે વિદેશી એરલાઇન્સ માટે એરપોર્ટ ફરીથી ખોલવાનો નિર્ણય વર્તમાન પરિસ્થિતિના વ્યાપક અને ગંભીર મૂલ્યાંકન બાદ જ લેવામાં આવ્યો છે. સત્તાવાળાઓએ ભાર મૂક્યો છે કે તમામ મુસાફરો અને વિમાનોની સલામતી તેમજ સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તે મુજબ જ ફ્લાઇટ્સનું શિડ્યુલ ગોઠવવામાં આવશે.
આ સમાચારથી માત્ર કતાર જ નહીં, પરંતુ ભારત સહિત વિશ્વના અન્ય દેશોના પ્રવાસીઓ જેઓ કતાર થઈને મુસાફરી કરે છે અથવા ત્યાં રહે છે, તેમને મોટી સુવિધા મળશે. ધીમે-ધીમે ફ્લાઇટ્સની સંખ્યા વધતા વિમાન ભાડામાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
