News of Saturday, 9th May 2026
કચ્છના રણમાં ચિત્તાની ડણક સંભળાશે: બન્નીના મેદાનોમાં કેન્યાથી મહેમાન લાવવા NTCAની મંજૂરી, વિદેશી ચિત્તાઓ માટે તૈયાર થયું 'ફાઈવ સ્ટાર' ઘર
ભારતનું બીજું ચિત્તા સ્ટેટ બનવા તૈયાર ગુજરાત; જુલાઈ-ઓગસ્ટમાં 4 શિકારી પ્રાણીઓનું થશે આગમન, રૂ. 20 કરોડના ખર્ચે હાઈટેક અભયારણ્ય સજ્જ

ભુજ : કચ્છના પ્રખ્યાત સફેદ રણની ધરતી હવે માત્ર પ્રવાસન જ નહીં, પણ વન્યજીવ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. છેલ્લા અઢી વર્ષની લાંબી રાહ અને સતત ચાલતી તૈયારીઓ બાદ આખરે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) એ કચ્છના બન્નીના ઘાસિયા મેદાનોમાં ચિત્તાઓના પુનઃવસવાટ માટે લીલી ઝંડી આપી દીધી છે. જો બધું યોજના મુજબ ચાલશે તો આગામી જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આફ્રિકાના કેન્યાથી 4 ચિત્તાઓના પંજા કચ્છની રેતાળ ધરતી પર પડશે.
કેન્યાથી આવશે ખાસ મહેમાન
વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં કેન્યાથી બે નર અને બે માદા ચિત્તાઓને એરલિફ્ટ કરીને લાવવામાં આવશે. વર્ષ દરમિયાન કુલ 12 જેટલા ચિત્તાઓ લાવવાનું આયોજન છે. આ ચિત્તાઓને સીધા જંગલમાં છોડવાને બદલે પ્રોટોકોલ મુજબ પ્રથમ એક મહિનો 'ક્વોરન્ટાઈન' રાખવામાં આવશે, જેથી તેઓ અહીંના વાતાવરણ અને આબોહવા સાથે અનુકૂળ થઈ શકે.
20 કરોડના ખર્ચે 'લક્ઝરી' આવાસ તૈયાર
બન્નીના ભગાડિયા અને તેની આસપાસના વિસ્તારોમાં 500 હેક્ટરથી વધુ જમીન પર આ ખાસ ચિત્તા અભયારણ્ય તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં અંદાજે 14.70 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે, જ્યારે કુલ બજેટ 20 કરોડનું છે. ચિત્તાઓ માટે અહીં કુદરતી વાતાવરણ જેવું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાયું છે, જેમાં:
• કૃત્રિમ શેડ: ગરમીથી બચવા માટે ખાસ આશ્રયસ્થાનો.
• પાણીના પોઈન્ટ્સ: તરસ છીપાવવા માટે કુદરતી અને કૃત્રિમ જળાશયો.
• ચિંકારા બ્રિડિંગ સેન્ટર: ચિત્તાના શિકાર અને ખોરાકની જરૂરિયાત માટે ખાસ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
• 10 કિમીની વાડ: ચિત્તાઓને સુરક્ષિત રાખવા માટે હાઈટેક ફેન્સિંગ લગાવાઈ છે.
ઐતિહાસિક વાપસીની ઘડી
ઉલ્લેખનીય છે કે, ભારતમાં 1952માં ચિત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. કચ્છમાં છેલ્લે 1872ના અરસામાં ચિત્તા જોવા મળ્યા હોવાના પુરાવા છે. વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ હવે અંતિમ તબક્કામાં છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાતનું કચ્છ એશિયામાં ચિત્તાઓનું નવું સરનામું બનવા જઈ રહ્યું છે, જે પર્યાવરણ અને સ્થાનિક રોજગારી બંને માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
