<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

મધ્ય પ્રદેશમાં ધાડપાડુઓની દાદાગીરી: દવા લેવાના બહાને ઘૂસેલા ૭ સશસ્ત્ર લૂંટારૂઓએ મહિલાના મોંમાં કપડું ઠાંસી ગળા પર તલવાર-કુહાડી મૂકી ₹૪૦ લાખની લૂંટ ચલાવી!

સગીર પુત્રની નજર સામે મહિલાને ૨ કલાક બંધક બનાવી ઘર અને મેડિકલ સ્ટોરમાંથી રોકડ-દાગીનાનો સફાયો: પોલીસે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ સાથે તપાસ હાથ ધરી

મૌગંજ : મધ્ય પ્રદેશના મૌગંજ જિલ્લામાં દિલધડક અને સશસ્ત્ર લૂંટની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટરસાયકલ પર દવા ખરીદવાના બહાને આવેલા લૂંટારૂઓએ એક મેડિકલ સ્ટોર માલિક મહિલાને તેના માસૂમ સગીર પુત્રની સામે જ બંદૂકની અણીએ બંધક બનાવીને ઘર તથા મેડિકલ સ્ટોરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને કિંમતી સામાન મળી કુલ ₹૪૦ લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે.

દવા લેવાના બહાને આવ્યા ને હથિયારધારી સાગરીતોને બોલાવી લીધા:

પીડિત મહિલા બેબી સાહુ (૩૮) ના જણાવ્યા મુજબ, તેના પતિ અનિલ કુમાર સાહુ કોઈ કામ અર્થે બહાર ગયા હતા. રાત્રે ૧૧ વાગ્યાના સુમારે બે યુવકો મોટરસાયકલ પર ઘર સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર પર દવા લેવાના બહાને આવ્યા હતા. દવા લીધા બાદ તુરંત જ તેમના અન્ય ૫ સશસ્ત્ર સાગરીતો રિવોલ્વર, પિસ્તોલ, કુહાડી અને તલવારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. મહિલા ચીસાચીસ ના કરે તે માટે ધાડપાડુઓએ તેના મોંમાં કપડું ભરી દીધું હતું અને ગળા પર તીક્ષ્ણ હથિયારો તાકીને બાનમાં લઈ લીધી હતી.

બે કલાક સુધી આચર્યો લૂંટનો ખેલ:

લૂંટારૂઓએ રાત્રે ૧૧ થી ૧ વાગ્યા સુધી સગીર બાળકની નજર સામે જ મહિલાને બંધક બનાવી રાખી આખા ઘરમાં તેમજ મેડિકલ સ્ટોરમાં ભારે તોડફોડ અને ખાંખાખોળા કર્યા હતા. ઘરમાં રાખેલા સોના-ચાંદીના કિંમતી દાગીના, રોકડ રકમ તેમજ સ્ટોરનો કિંમતી સામાન લૂંટીને આશરે ₹૪૦ લાખનો મુદ્દામાલ લઈ તમામ આરોપીઓ અંધારામાં ગાયબ થઈ ગયા હતા.

પોલીસે શંકાસ્પદ પાસાઓની તપાસ શરૂ કરી:

બનાવ બાદ ડાયલ ૧૧૨ પર જાણ કરાતાં SDOP સચી પાઠક અને સ્ટેશન હાઉસ ઓફિસર રાજેશ પટેલ પોલીસ કાફલા તથા ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે જરૂરી પુરાવા એકત્ર કરી શંકાસ્પદ રૂટ અને સીસીટીવી ફુટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે. જોકે, પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં ઘટનાના કેટલાક પાસાઓ શંકાસ્પદ જણાયા છે, જેથી તમામ દિશાઓમાં ઝીણવટભરી તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(8:52 PM IST)