તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
વર્લ્ડ કપમાં ચાહકોની ‘લૂંટ’: સ્ટેડિયમ પહોંચવાનું ભાડું ₹1000 થી વધીને ₹8500 થયું! ફૂટબોલ પ્રેમીઓએ કહ્યું— ‘આ રમતનું અપમાન છે’
ન્યુ જર્સી અને બોસ્ટનમાં ટ્રેન ટિકિટના ભાવમાં રાતોરાત 8 ગણો વધારો; FIFA ને 11 અબજ ડોલરની કમાણી, છતાં સામાન્ય માણસના ખિસ્સા પર તરાપ મારતા હોબાળો.

ન્યૂયોર્ક, તા. 16: આગામી ફૂટબોલ વર્લ્ડ કપને લઈને રમતપ્રેમીઓમાં જેટલો ઉત્સાહ છે, તેટલો જ રોષ હવે ટ્રાન્સપોર્ટ ભાડાના અતિશય વધારાને કારણે જોવા મળી રહ્યો છે. અમેરિકાના ન્યુ જર્સી અને બોસ્ટન જેવા શહેરોમાં ટ્રાન્સપોર્ટ સત્તાવાળાઓએ વર્લ્ડ કપ દરમિયાન ભાડામાં એટલો મોટો વધારો કર્યો છે કે ચાહકો તેને ‘એક પ્રકારની છેતરપિંડી’ ગણાવી રહ્યા છે.
સામાન્ય ભાડું ₹1,000... પણ મેચના દિવસે ₹8,500!
'ધ એથ્લેટિક' ના રિપોર્ટ અનુસાર, ન્યુ જર્સી ટ્રાન્ઝિટ દ્વારા મેનહટનથી મેટલાઇફ સ્ટેડિયમ સુધીની ટિકિટ માટે $100 (આશરે ₹8,400) વસૂલવાની યોજના છે. આશ્ચર્યની વાત એ છે કે, સામાન્ય દિવસોમાં આ મુસાફરીનું રિટર્ન ભાડું માત્ર $12.90 (આશરે ₹1,000) હોય છે. તેવી જ રીતે, બોસ્ટનથી જિલેટ સ્ટેડિયમ જવા માટે પણ પ્રવાસીઓએ $20 ના બદલે $80 ચૂકવવા પડશે.
ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જેવા દેશોના ફેન ક્લબ્સ આ નિર્ણયથી અત્યંત નારાજ છે. ફ્રેન્ચ સમર્થકોના પ્રવક્તાએ કહ્યું કે, "પહેલાં વર્લ્ડ કપની ટિકિટમાં જ ટ્રાન્સપોર્ટનો સમાવેશ થતો હતો, પરંતુ હવે FIFA માત્ર ધનવાનોની તરફેણ કરી રહી છે અને વફાદાર ચાહકોને બહાર ધકેલી રહી છે."
રાજકારણ ગરમાયું: "FIFA પોતે કેમ ખર્ચ નથી ઉઠાવતી?"
આ મામલે હવે યુએસના ટોચના રાજકારણીઓ પણ મેદાનમાં આવ્યા છે. સેનેટના નેતા ચક શૂમરે માંગ કરી છે કે, FIFA આ ટુર્નામેન્ટમાંથી $11 બિલિયન (અબજો ડોલર) કમાવાની છે, તો પછી તેણે યજમાન શહેરોનો પરિવહન ખર્ચ કેમ ન ભોગવવો જોઈએ? ન્યૂ યોર્કના ગવર્નર કેથી હોચુલે પણ આ ભાવ વધારાને 'ભયંકર' ગણાવ્યો છે.
બીજી તરફ, લોસ એન્જલસની ટ્રાન્ઝિટ એજન્સીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેણે સોફાઇ સ્ટેડિયમ જવા માટેના ભાડામાં કોઈ પણ જાતનો વધારો ન કરવાનું વચન આપ્યું છે, જે પ્રવાસીઓ માટે મોટી રાહત સમાન છે.
સુરક્ષાના નામે તગડો ખર્ચ?
ન્યુ જર્સી ટ્રાન્ઝિટનું કહેવું છે કે, વર્લ્ડ કપની આઠ મેચો દરમિયાન ટ્રાન્સપોર્ટ નેટવર્ક ચલાવવા માટે તેમને $48 મિલિયન (₹400 કરોડથી વધુ) નો વધારો ખર્ચ થશે, જેમાં મુખ્યત્વે સુરક્ષાનો સમાવેશ થાય છે. જોકે, ફેડરલ સરકાર દ્વારા પહેલેથી જ લાખો ડોલરની ગ્રાન્ટ આપવામાં આવી હોવા છતાં ચાહકો પર આટલો મોટો બોજ નાખવો કેટલો વ્યાજબી છે, તે એક મોટો પ્રશ્ન છે.
ચાહકોનો સુર: "અમે મેચ જોવાની મોંઘી ટિકિટો માંડ ખરીદી છે, હવે સ્ટેડિયમ પહોંચવા માટે પણ જો હજારો રૂપિયા ખર્ચવા પડશે, તો ફૂટબોલ જેવી 'ગરીબોની રમત' નો અર્થ શું રહેશે?"
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
