<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

રોબર્ટ વાડ્રાને મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી કોર્ટમાંથી મોટી રાહત, જામીન મળ્યા બાદ ED પર પ્રહાર કરતા કહ્યું- 'એજન્સી સરકારના ઈશારે કામ કરે છે'

ગુરુગ્રામ જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે 5 લાખના બોન્ડ પર જામીન મંજૂર કર્યા, વાડ્રાએ આરોપ લગાવ્યો કે ચૂંટણી પહેલા બદલાની ભાવનાથી કાર્યવાહી થાય છે, EDએ જામીનનો વિરોધ કર્યો હતો

નવી દિલ્હી, તા. 16 : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને ગુરુગ્રામ જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આજે વાડ્રાને 5 લાખ રૂપિયાના અંગત બોન્ડ અને સમાન રકમની બે જામીનગીરી પર જામીન મંજૂર કર્યા છે. જામીન મળ્યા બાદ કોર્ટ બહાર મીડિયા સાથે વાત કરતા વાડ્રાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પર આકરા પ્રહારો કર્યા હતા.

 

વાડ્રાએ કહ્યું કે ED એક સ્વતંત્ર એજન્સી નથી અને તે કેન્દ્ર સરકારના ઈશારે કામ કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમની સામેનો આ કેસ સંપૂર્ણપણે રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત છે. વાડ્રાએ જણાવ્યું કે જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે તેમને અને તેમના પરિવારને નિશાન બનાવવામાં આવે છે. તેઓ છેલ્લા 10 વર્ષથી તપાસમાં સહકાર આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપતા રહેશે.

 

આ કેસ ગુરુગ્રામના શિકોહપુર ગામમાં 2008માં થયેલા જમીન સોદા સાથે સંબંધિત છે. EDનો આરોપ છે કે વાડ્રાની કંપની સ્કાય લાઈટ હોસ્પિટાલિટીએ 7.5 કરોડમાં જમીન ખરીદીને થોડા મહિનાઓમાં જ DLFને 58 કરોડમાં વેચી દીધી હતી. એજન્સીનો દાવો છે કે આ સોદામાં મની લોન્ડરિંગ થયું હતું. આ મામલે EDએ 2023માં વાડ્રાની પૂછપરછ કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી.

 

આજે સુનાવણી દરમિયાન EDના વકીલે વાડ્રાના જામીનનો વિરોધ કર્યો હતો. એજન્સીએ દલીલ કરી હતી કે વાડ્રા પ્રભાવશાળી વ્યક્તિ છે અને બહાર રહીને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. જોકે વાડ્રાના વકીલે કહ્યું કે તેમના અસીલ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને વિદેશ ભાગી જવાનું કોઈ જોખમ નથી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શરતો સાથે જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે વાડ્રાને દેશ છોડતા પહેલા પરવાનગી લેવાનો અને તપાસમાં સહકાર આપવાનો આદેશ કર્યો છે.

(5:01 PM IST)