<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

રોબર્ટ વાડ્રાની મુશ્કેલીમાં વધારો: ED એ હાઈકોર્ટમાં ખોલ્યો મોરચો, કહ્યું- ‘કોર્ટને ગેરમાર્ગે દોરવા માટે વાડ્રાએ કર્યા પાયાવિહોણા દાવા’

ગુરુગ્રામ લેન્ડ સ્કેમ: જમીન સોદામાં કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે રોબર્ટ વાડ્રાની અરજી પર હવે ૧૮ મેના રોજ થશે નિર્ણાયક સુનાવણી

નવી દિલ્હી, તા. ૧૪: ગાંધી પરિવારના જમાઈ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા ફરી એકવાર કાયદાકીય કપાંજરમાં ફસાયા છે. ગુરુગ્રામ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી હાઈકોર્ટમાં વાડ્રા સામે આક્રમક વલણ અપનાવ્યું છે. EDએ કોર્ટને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, વાડ્રાએ ટ્રાયલ કોર્ટના સમન્સને પડકારતી વખતે જે દલીલો કરી છે તે તદ્દન "ખોટી અને ભ્રામક" છે.
 
શું છે ED ની દલીલ અને વાડ્રાનો બચાવ?
ED તરફથી હાજર રહેલા એડવોકેટ ઝોહેબ હુસૈને કોર્ટમાં દલીલ કરી હતી કે રોબર્ટ વાડ્રાએ જાણીજોઈને ખોટા નિવેદનો આપ્યા છે. વાડ્રાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ અગાઉ દાવો કર્યો હતો કે જે ગુનાઓ હેઠળ વાડ્રા પર આરોપ મૂકવામાં આવ્યો છે, તે ગુનાઓ (IPC ની કલમો) ૨૦૦૮ થી ૨૦૧૨ દરમિયાન PMLA ના લિસ્ટમાં નહોતા અને તેને પાછળથી ઉમેરવામાં આવ્યા છે.
પરંતુ, આ દલીલને ફગાવતા ED એ કહ્યું કે IPC ની કલમ ૪૬૭ PMLA એક્ટની શરૂઆતથી જ તેના શેડ્યૂલમાં હતી. ED એ કોર્ટને વિનંતી કરી કે ખોટા નિવેદનો આપવા બદલ વાડ્રાની અરજી ભારે દંડ (Cost) સાથે ફગાવી દેવી જોઈએ.
 
ગુરુગ્રામ જમીન સોદો: ₹૭.૫ કરોડની જમીન ₹૫૮ કરોડમાં વેચી!
આ સમગ્ર વિવાદ ગુરુગ્રામમાં ૨૦૦૮માં થયેલા એક જમીન વ્યવહાર સાથે જોડાયેલો છે. આરોપ છે કે વાડ્રા સાથે સંકળાયેલી એક કંપનીએ ૩.૫ એકર જમીન માત્ર ₹૭.૫ કરોડમાં ખરીદી હતી, પરંતુ તે માટેની કોઈ વાસ્તવિક ચુકવણી રજિસ્ટ્રેશન સમયે કરવામાં આવી નહોતી.
એવો પણ ગંભીર આક્ષેપ છે કે તત્કાલીન હરિયાણાના મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડા પર પ્રભાવ પાડીને આ જમીન માટે હાઉસિંગ લાયસન્સ મેળવવામાં આવ્યું હતું. લાયસન્સ મળતા જ જમીનની કિંમત આસમાને પહોંચી ગઈ અને ચાર વર્ષ પછી આ જ જમીન DLF કંપનીને ₹૫૮ કરોડમાં વેચી દેવામાં આવી હતી. આ સોદામાં વચેટિયા તરીકે કરોડોનો નફો મેળવ્યો હોવાનો EDનો દાવો છે.
 
૧૮ મેના રોજ થશે મહત્વની સુનાવણી
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ મનોજ જૈને EDની આકરી રજૂઆતો સાંભળ્યા બાદ આ કેસની સુનાવણી ૧૮ મે સુધી મુલતવી રાખી છે. જજ જૈને વાડ્રાના વકીલ સિંઘવીને આદેશ આપ્યો છે કે તેઓ આગામી સોમવારે અધિકારક્ષેત્ર અને કાયદાકીય પાસાઓ પર તૈયાર થઈને આવે, કારણ કે તે તેમના બચાવનો મુખ્ય મુદ્દો છે.
હવે આખા દેશની નજર ૧૮ મે પર ટકેલી છે, જ્યારે કોર્ટ નક્કી કરશે કે રોબર્ટ વાડ્રા સામેની તપાસ આગળ વધશે કે તેમને કોઈ વચગાળાની રાહત મળશે. જોકે, ED ના આકરા વલણથી વાડ્રા માટે મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે.

(5:23 PM IST)