<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

શ્રીહરિકોટાથી રોકેટ લોન્‍ચ નથી થતા, એટલા કોંગ્રેસમાં નેતાને લોન્‍ચ કરવાના નિષ્‍ફળ પ્રયાસો થાય છે

પીએમ મોદીના કોંગ્રેસ પર સણસણતા પ્રહાર : NDTV વર્લ્‍ડ સમિટમાં પીએમ મોદીએ કોંગ્રેસની રાજનીતિ, સંસદમાં હોબાળો અને વિદેશમાં દેશની છબી ખરાબ કરવાના મુદ્દે આકરા શબ્‍દોમાં વિપક્ષને જાટકયું

નવી દિલ્‍હી, તા.૨૩: દિલ્‍હી ખાતે યોજાયેલી NDTV વર્લ્‍ડ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર અત્‍યાર સુધીનો સૌથી તીખો અને ધારદાર રાજકીય હુમલો કર્યો છે. વિશ્વ સમક્ષ ભારતની વધતી સાખ અને મજબૂત સ્‍થિતિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે જ્‍યારે આખું વિશ્વ એક નવી વ્‍યવસ્‍થા અને સ્‍થિરતા શોધી રહ્યું છે, ત્‍યારે દેશના કેટલાક રાજકીય તત્‍વો ભારતમાં અસ્‍થિરતા અને અવ્‍યવસ્‍થા ફેલાવવાનું સ્‍વપ્ન જોઈ રહ્યા છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ઈસરોના શ્રીહરિકોટા સેન્‍ટરથી એક વર્ષમાં જેટલા રોકેટ લોન્‍ચ નથી થતા, તેનાથી વધુ વખત કોંગ્રેસ પોતાના નિષ્‍ફળ નેતાને રાજકારણમાં લોન્‍ચ કરવાના પ્રયાસો કરે છે. પીએમ મોદીએ અફસોસ વ્‍યક્‍ત કર્યો કે કોંગ્રેસ પોતાના એક પરિવાર અને નેતાને ચમકાવવા માટે દેશની પ્રતિષ્ઠા અને સિદ્ધિઓને પણ દાવ પર લગાવી રહી છે.

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીમાં વધી રહેલા આંતરિક અસંતોષ અને માનસિકતા પર ગંભીર સવાલો ઉઠાવ્‍યા હતા. તેમણે દ્રાક્ષ ખાટી છે કહેવતનો ઉલ્લેખ કરીને કહ્યું કે કોંગ્રેસ પોતાની સતત નિષ્‍ફળતાઓથી એટલી હતાશ થઈ ગઈ છે કે હવે તે વેલ જ કાપવામાં વ્‍યસ્‍ત બની છે. પાર્ટી પર આકરા પ્રહારો કરતા તેમણે ઉમેર્યું કે હવે માનસિક નક્‍સલીઓએ કોંગ્રેસની વિચારસરણી પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે અને ભૂતકાળમાં જંગલોમાં વિનાશ વેડફનારા વિચારકો હવે કોંગ્રેસમાં ઘૂસીને દેશની પ્રગતિને નુકસાન પહોંચાડી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ અને અનુભવી નેતાઓ પણ આ દબાણ અને અપમાનથી અંદરથી ઘૂંટાઈ રહ્યા છે, પરંતુ પરિવારશાહીના બોજ હેઠળ ચૂપ રહેવા મજબૂર છે.આ ઉપરાંત, વડાપ્રધાને સંસદની કાર્યવાહીમાં કોંગ્રેસના વલણ અંગે ચિંતા વ્‍યક્‍ત કરતા તેને લોકશાહી માટે મોટું નુકસાન ગણાવ્‍યું હતું. તેમણે આરોપ લગાવ્‍યો કે કોંગ્રેસ સંસદમાં સતત હોબાળો કરીને યુવા અને પ્રતિભાશાળી વિપક્ષી સાંસદોના અવાજને દબાવી દે છે, જેથી માત્ર તેમના જ એક નેતા ચર્ચાના કેન્‍દ્રમાં રહે. આ વલણને કારણે સરકારની પ્રામાણિક અને તંદુરસ્‍ત ટીકા કરનારા સ્‍વતંત્ર અવાજો પણ ડૂબી જાય છે. વિદેશી ધરતી પર જઈને ભારતની પ્રણાલીઓ પર પ્રશ્‍નો ઉઠાવવા અને વિદેશી હસ્‍તક્ષેપની માંગ કરવા બદલ પીએમ મોદીએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી અને તેને દેશહિત વિરુદ્ધનું પગલું ગણાવ્‍યું હતું

(11:20 AM IST)