<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

બિહારમાં NDAને ઘેરવા રોહિણી આચાર્યનો નવો રાજકીય દાવ: તેજસ્વી યાદવ અને પ્રશાંત કિશોરને એક થવા આપી સલાહ!

એમએલસી ચૂંટણી પરિણામો બાદ આરજેડી નેતાએ રજૂ કર્યું 'મહાગઠબંધન+જન સૂરજ' ફોર્મ્યુલા : પીકે સમક્ષ શરત મૂકી વિપક્ષી વોટોનું વિભાજન અટકાવવા આહ્વાન કર્યું

પટણા :  બિહાર વિધાન પરિષદ ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં એક નવો અને સનસનાટીભર્યો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી અને ફાયરબ્રાન્ડ નેતા રોહિણી આચાર્યએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્યમંત્રી નીતિશ કુમારના એનડીએ ગઠબંધનને પરાજય આપવા માટે એક નવું રાજકીય ફોર્મ્યુલા સૂચવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરેલી એક વિવાદાસ્પદ અને ચર્ચિત પોષ્ટમાં તેમણે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને 'જન સૂરજ' પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર ને પોતાના મતભેદો ભૂલીને એક મંચ પર આવવાની ખુલ્લી સલાહ આપી છે.

રોહિણી આચાર્યએ બિહાર ચૂંટણી ગણિતને વિગતવાર સમજાવતા દાવો કર્યો હતો કે બિહારમાં વિપક્ષી મતોનું વિભાજન હંમેશા શાસક પક્ષ ભાજપ અને જેડીયુ માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમણે તાજેતરની વિધાન પરિષદ ચૂંટણીના આંકડા ટાંકીને ખુલાસો કર્યો હતો કે જો આરજેડી અને જન સૂરજના ઉમેદવારોને મળેલા મતોનો સરવાળો કરવામાં આવે, તો એનડીએ ગઠબંધનને પ્રથમ તબક્કાની તમામ આઠ બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો હોત. તેમના મતે જો વિપક્ષો પોતાના સામાજિક અને રાજકીય જનાધારને એક રાખીને રણનીતિ ઘડશે, તો વિરોધી વોટ બેંકનું વિભાજન અટકશે અને ભાજપને સરળતાથી માત આપી શકાશે.

આ નવો રાજકીય દાવ ફેંકવાની સાથે જ રોહિણી આચાર્યએ પ્રશાંત કિશોર સામે કેટલીક શરતો પણ મૂકી છે, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો જન સૂરજ ખરેખર ભાજપની 'બી-ટીમ' તરીકે કામ કરવાના આક્ષેપોમાંથી મુક્ત થવા માંગતી હોય, તો તેમણે લાલુ-તેજસ્વીના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન સાથે હાથ મિલાવવો પડશે. જોકે, પ્રશાંત કિશોર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ રોહિણી આચાર્યના આ સુઝાવથી બિહારના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી ચૂંટણીઓ પહેલા નવા રાજકીય સમીકરણો રચાવવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

(7:52 PM IST)