<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

૧૭ વર્ષની ઉંમરે ચાયવાલાઝ કેફે શરુ કરનાર ૩૦ વર્ષના સ્થાપક રોહિત શર્માએ ગળે ફાંસો ખાધો : દૌસા સ્થિત ઘરના રૂમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

જયપુરથી સાત કેફેનું સામ્રાજ્ય ઊભું કરનાર યુવાન ઉદ્યોગસાહસિકે છ મહિના પહેલા તમામ આઉટલેટ બંધ કરી આધ્યાત્મિકતા અપનાવી હતી : આપઘાતનું કારણ અજ્ઞાત રહેતા પોલીસે તપાસ હાથ ધરી

જયપુર : રાજસ્થાનના દૌસા ખાતે આવેલી સાકેત કોલોનીમાં ૧૭ વર્ષની નાની વયે ચાયવાલાઝ નામનો સ્ટાર્ટઅપ બિઝનેસ શરુ કરનાર ૩૦ વર્ષના જાણીતા યુવાન ઉદ્યોગસાહસિક રોહિત શર્માએ શનિવારે પોતાના નિવાસસ્થાને કથિત રીતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ સાકેત કોલોનીના રહેવાસી રોહિત શર્મા શનિવારે બપોરે પોતાના ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યોએ તાત્કાલિક દરવાજો તોડીને તેમને નીચે ઉતાર્યા હતા અને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

મૃતક રોહિત શર્માના પરિવારમાં તેમના પત્ની શ્રીમતી છે કે જેઓ એક ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, તેમજ તેમનો સાત વર્ષનો પુત્ર છે. તેમના પિતા હિતેન્દ્રમોહન શર્મા દૌસામાં મેડિકલ સ્ટોર ચલાવે છે. હાલ આ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

રોહિત શર્માએ નર્સિંગના અભ્યાસ દરમિયાન માત્ર ૧૭ વર્ષની ઉંમરે જ પોતાની વ્યવસાયિક સફર શરુ કરી હતી અને જયપુરમાં ચાયવાલાઝ નામનો સ્ટાર્ટઅપ લોન્ચ કર્યો હતો. તેમણે જયપુરના માનસરોવર વિસ્તારમાં આવેલા શિપ્રા પથ પર પોતાનું પહેલું ચાય કેફે ખોલ્યું હતું અને ત્યારબાદ શહેરમાં બીજું આઉટલેટ શરુ કરીને બિઝનેસનો વિસ્તાર કર્યો હતો. થોડા જ વર્ષોમાં તેમનો કારોબાર વિકસ્યો હતો અને અલગ અલગ શહેરોમાં ચાયવાલાઝના સાત કેફે આઉટલેટ ખુલી ગયા હતા.

અહેવાલો અનુસાર રોહિતએ આશરે છ મહિના પહેલા જ પોતાના તમામ સાત કેફે આઉટલેટ બંધ કરી દીધા હતા અને આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાતે પણ ગયા હતા. કેફેનો બિઝનેસ ચલાવવા ઉપરાંત રોહિત દૌસામાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ સતત જોડાયેલા રહ્યા હતા.

(9:01 AM IST)